પતિ અવાર-નવાર મારકૂટ કરી સિતમ ગુજારતો હોવાથી પગલું ભર્યાનો મૃતકના ભાઈનો આરોપ
મોરબીના રંગપર ગામે રહેતી પરિણીતાએ પતિ સહિતના સાસરીયાના ત્રાસથી કંટાળી એસિડ પી લીધું હતું. પરિણીતાનું મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. પતિ અવારનવાર મારકુટ કરી સિતમ ગુજારતો હોવાથી પગલું ભર્યુ હોવાનો મૃતક પરિણીતાના ભાઈએ આક્ષેપ કર્યો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મોરબીના રંગપર ગામે આવેલી શક્તિ સોસાયટીમાં રહેતાં ભક્તિબા રાજદીપસિંહ જાડેજા નામની 26 વર્ષની પરિણીતા બે દિવસ પૂર્વે પોતાના ઘરે હતી ત્યારે એસિડ પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. જ્યાં પરિણીતાનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
પ્રાથમિક પુછપરછમાં મૃતક પરિણીતાને સંતાનમાં એક ચાર વર્ષનો પુત્ર છે. ભક્તિબા જાડેજાના ભાઈ શક્તિસિંહએ આક્ષેપ કર્યો છે કે ભક્તિબા જાડેજાને તેના પતિ રાજદીપસિંહ જાડેજા, દીયર પરાક્રમસિંહ જાડેજા અને નણંદ હર્ષાબા ત્રાસ આપતાં હતાં અને પતિ રાજદીપસિંહ જાડેજા અવારનવાર મારકુટ કરતાં હતાં. જેના કારણે ભક્તિબા જાડેજાએ આત્મઘાતી પગલું ભર્યુ હોવાનો સનસનીખેજ આરોપ લગાવ્યો છે. આક્ષેપના પગલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
