રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર તબીબોની ગંભીર બેદરકારીના કારણે વિવાદમાં આવી છે. ગાંઠનું ઓપરેશન કરાવવા માટે આવેલા દિલીપ બારોટ નામના દર્દીની છાતીના ભાગે ચેકો મારીને તાર નાખવામાં આવ્યો હતો, પરંતુ તારને બહાર કાઢવાને બદલે અંદર જ રાખી દેવામાં આવ્યો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. એટલું જ નહીં, છાતીના ભાગે ચેકો માર્યો હોવા છતાં ટાંકા પણ લેવામાં આવ્યા નથી અને તાર સાથે જ માત્ર સાદું ડ્રેસિંગ કરી દેવામાં આવ્યું છે. હાલ દર્દી રાજકોટ સિવિલ હોસ્પિટલના સર્જિકલ વિભાગમાં સારવાર હેઠળ છે અને તેમણે છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરી છે. આ ઘટનાને પગલે ડોક્ટરોની બેદરકારીને લઈને અનેક ગંભીર સવાલો ઊભા થયા છે.
આ સમગ્ર મામલે દર્દી દિલીપ બારોટના પુત્ર સંજય બારોટે આપવીતી જણાવતા હોસ્પિટલ તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે. સંજય બારોટના જણાવ્યા મુજબ, તેઓ 20 તારીખે ગાંઠનું ઓપરેશન કરાવવા માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા.
સારવાર દરમિયાન દર્દીને બાટલો ચડાવવા માટે નિડલ લગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ 15-15 વખત પંચર કરવા છતાં તે ચડી નહોતી. ત્યારબાદ તબીબોએ દર્દીને બેભાન કર્યા વગર જ છાતીના ભાગે સોય નાખી હતી. આ પ્રક્રિયા દરમિયાન સોયમાં રહેલો તાર (વાળો) અંદર હાડકામાં વીંટાઈ ગયો હતો. હાલમાં આ તાર બે વેંત જેટલો બહાર છે અને બાકીનો ભાગ છાતીની અંદર જ ફસાયેલો છે.
દર્દીના પુત્રએ વધુમાં જણાવ્યું હતું કે, તાર અંદર ફસાઈ જતાં તબીબોએ છાતીના ભાગે ચેકો મારીને તેને ખેંચીને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નીકળ્યો નહોતો. ચેકો માર્યા બાદ ટાંકા લેવાના બદલે ઘાને ખુલ્લો જ રાખી દેવામાં આવ્યો હતો અને ડ્રેસિંગ કરવા માટે પણ બે કલાક સુધી કોઈ પટ્ટી મારવા આવ્યું નહોતું. આખરે તાર અંદર હોવા છતાં માત્ર સાદું ડ્રેસિંગ કરી દેવામાં આવ્યું હતું. હવે હોસ્પિટલના તબીબો દર્દીને અહીંથી લઈને અમદાવાદ જતા રહેવાનું કહી રહ્યા છે. ગઈકાલે બપોરે 12 વાગ્યાથી આ જ પરિસ્થિતિ ચાલી રહી છે ત્યારે જો રસ્તામાં દર્દીને કંઈ થઈ જાય તો તેની જવાબદારી કોની, તેવો સવાલ તેમણે ઉઠાવ્યો છે.
સંજય બારોટે આક્ષેપ કર્યો છે કે જે સિનિયર ડોક્ટર દ્વારા સારવાર કરવામાં આવી હતી, તેઓ ગઈકાલે બપોરે 3 વાગ્યાથી ભાગી ગયા છે અને હજુ સુધી આવ્યા નથી. હોસ્પિટલનો સ્ટાફ તે ડોક્ટરનું નામ આપતો નથી અને દર્દીની સારવારની ફાઈલ પણ લઈ લેવામાં આવી છે, જે પરિવારજનોને આપવામાં આવતી નથી. આ ઉપરાંત, હોસ્પિટલ તંત્ર તરફથી પણ કોઈ અધિકારી તેમની મુલાકાતે આવ્યું નથી કે કોઈ સંતોષકારક જવાબ આપ્યો નથી. જેને લઈને હવે પોલીસ ફરિયાદ નોંધાવવા જઈ રહ્યા છીએ. હોસ્પિટલ તંત્ર જવાબદાર ડોક્ટરનું નામ અને સીસીટીવી ફૂટેજ આપે તથા પોલીસ તંત્ર દોષિત તબીબને શોધીને તેમના પર કાયદેસરની કાર્યવાહી કરે તેવી અમારી માંગ છે.
અમદાવાદ સારવારનો ખર્ચ આપવાની તબીબે ઓફર કર્યાનો પુત્રનો આરોપ
સિવિલ હોસ્પિટલમાં ગાઠની સારવાર માટે દાખલ કરાયેલા દર્દીને બાટલો ચડાવવા નસ નહીં મળતા વૈકલ્પીક સારવાર માટે છાતીના ભાગે નાખેલો તાર ફસાઇ જતા તે બાર કાઢવા તબીબે છાતીના ભાગે ચેકો માર્યો હતો તેમ છતાં તાર નહીં નીકળતા તબીબ દ્વારા સાદુ ડ્રેસીંગ કરી દર્દીને અમદાવાદ સારવાર માટે લઇ જવાની અને સારવારનો તમામ ખર્ચ આપવાનું કહ્યુ હોવાનો પરિવાર દ્વારા સનસનીખેજ આક્ષેપ કરવામાં આવ્યો છે.
ડોક્ટરની બેદરકારી સામે આવશે તો પગલા લેવાશે: સિવિલ સર્જન ડો.ડોડિયા
સિવિલ હોસ્પિટલમાં તબીબની બેદરકારીના કારણે દર્દીની છાતીમાં તાર ઘુસાડી દીધાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે. જે અંગે સિવિલ સર્જન ડો.કમલ ડોડીયાએ જણાવ્યુ છે કે, દર્દીને પેટમાં કેન્સલની ગાંઠ હોવાની શંકાએ દાખલ થયા હતા. પરંતુ દર્દીની નસ હાથમાં નહીં આવતા તબીબે અન્ય વિકલ્પ તરીકે હાથના બદલે છાતીના ભાગથી બાટલા ચડાવવાનું નક્કી કર્યુ હોઇ શકે પરંતુ સેન્ટ્રલ લાઇન લેતી વખતે તાર મુળ જગ્યાના બદલે બીજે ફસાઇ ગયો હતો. જેના કારણે દર્દીને દુખી થવુ પડયુએ અમારા માટે પણ દુખજનક વાત છે. જે તાર કાઢવા નિષ્ણાંત તબીબ સાથે વાત કરતા દર્દીને તકલીફ ન પડે તે માટે ડોક્ટર ટીમ સાથે દર્દીને એમ્બ્યુલન્સમાં અમદાવાદ યુ.એન.મહેતા ખાતે સારવાર માટે મોકલવાની વાત થઇ છે. તેમ છતાં જો તપાસમાં ડોક્ટરની બેદરકારી સામે આવશે તો કાર્યવાહીની ખાત્રી આપી છે.
