તાલાલામાં એક દિવસ પહેલા જ એડમિશન લેનાર છાત્રનું હોસ્ટેલના ત્રીજા માળેથી પટકાતા મોત

તાલાલાની પ્લાઝ્મા ઇન્ટરનેશનલ સ્કૂલની બિલ્ડિંગમાં ચાલતી ફોટોન સ્કૂલ એન્ડ હોસ્ટેલમાં ગત રોજ 10મી મેના દિવસે હોસ્ટેલની ત્રીજા માળની બારીમાંથી શંકાસ્પદ રીતે નીચે પટકાવવાને કારણે 14…

તાલાલાની પ્લાઝ્મા ઇન્ટરનેશનલ સ્કૂલની બિલ્ડિંગમાં ચાલતી ફોટોન સ્કૂલ એન્ડ હોસ્ટેલમાં ગત રોજ 10મી મેના દિવસે હોસ્ટેલની ત્રીજા માળની બારીમાંથી શંકાસ્પદ રીતે નીચે પટકાવવાને કારણે 14 વર્ષીય વિદ્યાર્થી ક્રિશ હસમુખભાઈ પાતળનું કરૂૂણ મોત નીપજ્યું છે. વેરાવળ તાલુકાના નાવદ્રા ગામનો વતની અને ધોરણ-8માં અભ્યાસ કરતો આ વિદ્યાર્થી 1 દિવસ પહેલા એટલે કે 9મી મેના દિવસે જ હોસ્ટેલમાં રહેવા આવ્યો હતો. ઘટના બાદ ગંભીર હાલતમાં તેને તાલાલા સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. નવા શૈક્ષણિક સત્રની શરૂૂઆતમાં જ બનેલી આ હૃદયદ્રાવક ઘટના અકસ્માત છે કે આત્મહત્યા, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. માસૂમ બાળકના અકાળે અવસાનના સમાચાર મળતા જ મૃતકના માતા-પિતા અને પરિવારજનો આઘાતમાં ડૂબી ગયા હતા અને તાલાલા સરકારી હોસ્પિટલ પરિસરે પહોંચ્યા હતા.

ધોરણ-8 નો આ વિદ્યાર્થી હોસ્ટેલના ત્રીજા માળેથી ચોથા માળે જવાના દાદરામાં વચ્ચે પેસેજમાં આવતી 6 ફૂટ ઊંચી ખુલ્લી બારીમાંથી પટકાયો હતો.સ્કૂલ સંચાલકોના કહેવા મૂજબ આ બારીની બાજુમાં રહેલા ફાયરસાધનોમાં લાગેલી પાઇપની મદદથી તે ઉપર ચડયો હતો અને પછી બારીમાંથી કૂદી ગયો.

પ્લાઝ્મા ઇન્ટરનેશનલ સ્કૂલ તાલાલાના ટ્રસ્ટી અશોકભાઈ રાઠોડે સમગ્ર ઘટના અંગે જણાવ્યું કે અમારી શાળામાં ધોરણ-8નો વિદ્યાર્થી પાતળ ક્રિશ હરસુખભાઈએ 9-06-2026 ના રોજ અત્રેની હોસ્ટેલમાં એડમિશન લીધેલું હતું અને તારીખ બીજા દિવસે સાંજના 7:27 કલાકના રોજ ઉપરના ત્રીજા માળેથી નીચે પટકાયો હતો. તમામ સ્ટાફગણને તુરંત ખ્યાલ આવતા તેને હોસ્પિટલે ખસેડ્યો હતો, ત્યાં ડોક્ટરોએ તેની સારવાર કરી હતી પરંતુ મૃત જાહેર કર્યો હતો.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાલાલા પોલીસે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ તાલાલા પોલીસના ટાઉન જમાદાર મેનશીભાઈ જાદવ ચલાવી રહ્યા છે. મૃત્યુનું ચોક્કસ કારણ અને ઘટના પાછળની વાસ્તવિકતા જાણવા માટે પોલીસ હોસ્ટેલના સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે તેમજ ત્યાં હાજર લોકોની પૂછપરછ કરી રહી છે. પોલીસ અને ઋજકની ટીમે હોસ્ટેલ અને ત્રીજા માળની ઝીણવટભરી તપાસ કરી હતી અને મૃતક વિદ્યાર્થીનો સામાન પણ ચેક કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *