પરિણીતા અને વૃધ્ધના આપઘાત, ડૂબી જવાથી યુવકે જીવ ગુમાવ્યો
મોરબી જિલ્લામાં અપમૃત્યુના ત્રણ અલગ-અલગ બનાવો બન્યા હતા. જેમાં હળવદના બુટવડા ગામે માત્ર 20 વર્ષની પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. જ્યારે મોરબીના શનાળા રોડ પર દુકાને બેઠેલા પ્રૌઢનું હાર્ટ એટેક આવતા મોત નીપજ્યુ હતું. ત્રીજી ઘટનામાં મકનસર ગામ પાસે આવેલા મચ્છુ ડેમમાં ન્હાવા પડેલો 18 વર્ષનો યુવક ડૂબી જતાં મોતને ભેટ્યો હતો. જયારે નવલખી રોડ ઉપર એક વૃધ્ધે આપઘાત કર્યો હતો.
પ્રથમ ઘટનામાં, હળવદના બુટવડા ગામે ગણેશભાઈ શંકરભાઈ લોદરિયાના મકાનમાં રહેતા 20 વર્ષીય અલકાબેન મુકેશભાઈ લોદરિયાએ ગત તારીખ 9 જૂનની રાત્રે કોઈ અગમ્ય કારણોસર પોતાના રૂૂમમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. મૃતક અલકાબેનનું લગ્નજીવન હજુ માંડ એક વર્ષનું જ હતું અને તેમને 2 મહિનાનું સંતાન પણ હતું.
બીજી ઘટનામાં, મોરબીના રવાપર ઘુનડા રોડ પર આવેલા ફ્લોરા-158માં રહેતા 65 વર્ષીય પ્રાણજીવન રાઘવજીભાઈ બરાસરા ગત તારીખ 10 જૂનના રોજ બપોરે શનાળા રોડ પર, છોટાલાલ પેટ્રોલ પંપની સામે આવેલ મહાદેવ નમકીન પાસેની એક દુકાને બેઠા હતા. આ દરમિયાન અચાનક તેમને છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો અને હાર્ટ એટેક આવ્યો હતો. તેમને તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબે તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા.
ત્રીજી ઘટનામાં, મોરબીના ભડીયાદ રોડ પર આવેલી જવાહર સોસાયટીમાં રહેતો 18 વર્ષીય કેતનભાઈ રઘુભાઈ જોગડીયા નામનો યુવાન ગત તારીખ 10 જૂનના રોજ બપોરે અઢી વાગ્યાના અરસામાં મકનસર ગામની પાછળ આવેલા મચ્છુ ડેમમાં ન્હાવા માટે ગયો હતો. આ દરમિયાન અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ જવાને કારણે કેતનભાઈનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.
ચોથી ઘટનામાં, મોરબી શહેરના નવલખી રોડ પર આવેલ શ્રદ્ધાપાર્કમાં રહેતા રમેશભાઈ મહાદેવભાઈ બજાણીયા ઉ.65 નામના વૃધ્ધએ પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
