રાજકોટના ગૌતમ નગર વિસ્તારમાં રહેતા આદિત્ય અતુલભાઈ સિંઘવ નામના 19 વર્ષના યુવાને તેની પાસે રહેલી જીજે 03 જે.સી. 0895 નંબરની મહેન્દ્રા વેરીટો મોટરકારને પુરઝડપે અને ગફલતરીરીતે ચલાવી, દ્વારકામાં આવેલી બાંસુરી હોટલ સાથે અથડાવી હતી.
આ ટક્કરમાં હોટેલની ત્રણ ફૂટની દિવાલ, કાચનું સેક્શન, કાચનો દરવાજો, સોફા, એસીના પાઈપ વિગેરેમાં વ્યાપક નુકસાની થવા પામી હતી. આ સમગ્ર ઘટના સંદર્ભે બાંસુરી હોટલમાં રૂૂપિયા સવા ત્રણ લાખનું નુકસાન પહોંચાડવા સબબ રાજકોટના કાલાવડ રોડ વિસ્તારમાં રહેતા કેતનભાઈ જગદીશભાઈ દતાણી (ઉ.વ. 40) ની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે આદિત્ય સિંઘવ સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.
મીઠાપુરમાં વૃદ્ધ ઉપર સળિયા વડે હુમલો
ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા વિસ્તારમાં રહેતા મેઘાભાઈ દેવશીભાઈ વિકમા નામના 70 વર્ષના વૃદ્ધના ઘર પાસે કોઈ દેખીતા કારણ વગર બિભત્સ ગાળો બોલતા આ જ વિસ્તારના રહીશ શંભુ કચરાભાઈ ઘેડિયા નામના શખ્સને મેઘાભાઈએ અટકાવતા તેણે ઉશ્કેરાઈને પોતાના હાથમાં રહેલા લોખંડના સળિયા વડે તેમના પર હુમલો કરી, ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચાડી હતી આ અંગે મીઠાપુર પોલીસે આરોપી શંભુભાઈ ઘેડિયા સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
