વાયબ્રન્ટ સમિટમાં ખાસ હોસ્પિટલ ઉભી કરાઇ

રાજકોટમાં યોજાનારી આગામી વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગતની કોન્ફરન્સને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. આ આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમમાં દેશ-વિદેશના મહાનુભાવો અને પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના…

રાજકોટમાં યોજાનારી આગામી વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગતની કોન્ફરન્સને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. આ આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમમાં દેશ-વિદેશના મહાનુભાવો અને પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના હોવાથી, કોઈપણ તબીબી કટોકટીને પહોંચી વળવા માટે મારવાડી કોલેજ કેમ્પસમાં જ 6 બેડની સુવિધા ધરાવતી મિની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે.

સિવિલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલી આ વ્યવસ્થામાં દર્દીઓની સારવાર માટે નિષ્ણાત ડોક્ટરોની ફોજ ઉતારવામાં આવી છે. આ હોસ્પિટલમાં ફિઝિયોથેરાપી, જનરલ સર્જન, ઓર્થોપેડિક (હાડકાના નિષ્ણાત) અને મેડિકલ ઓફિસર સહિત કુલ 50 જેટલા મેડિકલ સ્ટાફને આ ડ્યુટીમાં સામેલ કરવામાં આવ્યા છે. જેમાં દરરોજ કુલ 5 તબીબો સહિત 25 ડોક્ટરો રોટેશન મુજબ ફરજ બજાવશે અને સહાયક સ્ટાફ તરીકે 10 નર્સિંગ સ્ટાફ અને 10 સર્વન્ટ સહિતનો અન્ય સ્ટાફ ખડેપગે રહેશે.

કોન્ફરન્સ દરમિયાન સતત તબીબી દેખરેખ જળવાઈ રહે તે માટે કુલ 25 ડોક્ટરોની ટીમ ફાળવવામાં આવી છે. દરરોજ 5 ડોક્ટરો રોટેશન મુજબ ફરજ બજાવશે, જેથી 24 કલાક દરમિયાન કોઈપણ સમયે તબીબી સહાય મળી શકે. આ વ્યવસ્થાનું સંચાલન રાજકોટ સિવિલ હોસ્પિટલના અધિક્ષક અને આરોગ્ય વિભાગ દ્વારા સીધું કરવામાં આવી રહ્યું છે.

મારવાડી કોલેજમાં બનાવાયેલી આ હોસ્પિટલ માત્ર પ્રાથમિક સારવાર પૂરતી સીમિત નથી, પરંતુ અહીં ઇમરજન્સીને પહોંચી વળવા માટે જરૂૂરી સાધન-સામગ્રી પણ ઉપલબ્ધ કરાવાઈ છે. નાની-મોટી ઈજાઓ માટે 3 સ્પેશિયલ ડ્રેસિંગ ટેબલની વ્યવસ્થા અને ગંભીર પરિસ્થિતિમાં દર્દીને તાત્કાલિક અન્ય હોસ્પિટલ ખસેડવા માટે 3 હાઈ-ટેક એમ્બ્યુલન્સ સ્થળ પર તૈનાત રહેશે. ઇમરજન્સી અને જીવનરક્ષક દવાઓનો પૂરતો સ્ટોક અહીં રાખવામાં આવ્યો છે.

આ અંગે સિવિલ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે, વાયબ્રન્ટ કોન્ફરન્સ એ રાજ્યનો પ્રતિષ્ઠિત કાર્યક્રમ છે. અહીં આવતા મહેમાનોના સ્વાસ્થ્યની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. મારવાડી કોલેજમાં ઉભી કરાયેલી આ 6 બેડની હોસ્પિટલ તમામ પ્રકારની આધુનિક સુવિધાઓથી સજ્જ છે, જેથી સ્થળ પર જ તાત્કાલિક નિદાન અને સારવાર થઈ શકે. આમ, રાજકોટમાં યોજાનારી આ મેગા ઇવેન્ટમાં આરોગ્ય વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની કચાસ રાખવામાં આવી નથી. 50 સભ્યોની ટીમ અને આધુનિક સાધનો સાથેની આ હોસ્પિટલ કોન્ફરન્સ પૂર્ણ થાય ત્યાં સુધી કાર્યરત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *