સિંધુ જળ સિંંધ મામલે ભારત પીછેહઠ નહીં કરે તો જવાબ આપવા પાક. પીએમની ગીધડ ધમકી
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે સ્વતંત્રતા દિવસના પ્રસંગે ભારત સામે ફરી એકવાર આક્રમક અને તીખા તેવર બતાવ્યા છે. ઇસ્લામાબાદમાં યોજાયેલા ’યાદગાર-એ-ફતહ’ કાર્યક્રમ દરમિયાન શાહબાઝ શરીફે સિંધુ જળ સંધિ અંગે ભારતને સીધી ચેતવણી આપી હતી. તેમણે દાવો કર્યો હતો કે પાકિસ્તાનના પાણીનું એક-એક ટીંપું તેની ’રેડ લાઇન’ છે અને જો ભારત પોતાના વલણથી પીછેહઠ નહીં કરે તો પાકિસ્તાન તેનો સીધો જવાબ આપશે.
ઉલ્લેખનીય છે કે, એપ્રિલ 2025માં થયેલા પહલગામ આતંકી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી હતી, ત્યારથી જ પાકિસ્તાન છંછેડાયેલું છે. આ ઉપરાંત મે 2025માં ’ઓપરેશન સિંદૂર’ હેઠળ ભારતે પાકિસ્તાનમાં ડીપ સ્ટ્રાઇક કરીને આતંકી ઠેકાણાઓને નેસ્તનાબૂદ કર્યા હતા.
શાહબાઝ શરીફે મે 2025ના સૈન્ય સંઘર્ષનો ઉલ્લેખ કરતા કહ્યું કે, “પાકિસ્તાન શાંતિ, સન્માન અને ગૌરવ સાથે ઊભું છે, પરંતુ તેને અમારી નબળાઈ ન સમજવી જોઈએ.” તેમણે ચેતવણી આપતા ઉમેર્યું કે જો ભવિષ્યમાં કોઈ પાકિસ્તાનની સાર્વભૌમત્વ અને સુરક્ષાને પડકારશે તો તેને મે 2025 કરતાં પણ વધુ તાકાતથી જવાબ આપવામાં આવશે. જોકે, મે 2025ના સંઘર્ષ બાદ બંને દેશો સીઝફાયર (યુદ્ધવિરામ) પર સહમત થયા હતા.
પોતાના સંબોધનમાં પાકિસ્તાની વડાપ્રધાને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે સમયસર સીઝફાયર કરાવવામાં ઐતિહાસિક ભૂમિકા ભજવી હતી, જેનાથી લાખો લોકોના જીવ બચ્યા હતા. (જોકે ભારત હંમેશાં સીઝફાયરમાં ત્રીજા દેશની મધ્યસ્થતાના દાવાને નકારતું રહ્યું છે.
