નલિયા એરફોર્સ સ્ટેશનમાં જવાનનો રાઇફલથી જાતે ગોળી ધરબી આપઘાત

કચ્છ જિલ્લાના સરહદી અને વ્યૂહાત્મક રીતે અતિ મહત્વના ગણાતા અબડાસા તાલુકાના નલિયા એરફોર્સ સ્ટેશન પરિસરમાંથી એક અત્યંત દુ:ખદ ઘટના પ્રકાશમાં આવી છે. દેશની સરહદોની રક્ષા…

કચ્છ જિલ્લાના સરહદી અને વ્યૂહાત્મક રીતે અતિ મહત્વના ગણાતા અબડાસા તાલુકાના નલિયા એરફોર્સ સ્ટેશન પરિસરમાંથી એક અત્યંત દુ:ખદ ઘટના પ્રકાશમાં આવી છે. દેશની સરહદોની રક્ષા કાજે તૈનાત એરફોર્સના એક જવાને અગમ્ય કારણોસર પોતાની ફરજ દરમિયાન જ આપઘાત કરી લેતા લશ્કરી છાવણી સહિત સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

મળતી પ્રાથમિક વિગતો મુજબ, મૃતક જવાનની ઓળખ ભરતરાજ ભોમપ્રકાશ ભારદ્વાજ તરીકે થઈ છે. તેઓ એરફોર્સ સ્ટેશનના સૌથી સુરક્ષિત ગણાતા ’ટેકનિકલ એરિયા’માં પોતાની નિયમિત ફરજ પર હતા. આ દરમિયાન તેમણે પોતાની સરકારી ગન એટલે કે અદ્યતન AK-103 એસોલ્ટ રાઇફલમાંથી અચાનક પોતાની જાત પર ફાયરિંગ કર્યું હતું. ગોળી ગરદનના ભાગેથી પ્રવેશીને માથાના ભાગેથી આરપાર નીકળી ગઈ હતી. હથિયારમાંથી છૂટેલી ગોળીના ઘાતક પ્રહારને કારણે જવાન ભરતરાજ ભોમપ્રકાશનું ઘટનાસ્થળે જ તરફડિયા મારીને લોહીલુહાણ હાલતમાં કરુણ મોત નીપજ્યું હતું.

ફાયરિંગનો અવાજ સાંભળીને આસપાસ સુરક્ષામાં તૈનાત અન્ય અધિકારીઓ અને જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, જ્યાં ભરતરાજ લોહીના ખાબોચિયામાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ ચકચારી ઘટના અંગે તાકીદે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ કોઠારા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક એરફોર્સ બેઝ ખાતે પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની પ્રક્રિયા હાથ ધરી હતી. પોલીસે હાલ આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂૂ કરી છે. જવાન કયા પ્રકારના માનસિક તણાવમાં હતા અથવા કયા સંજોગોમાં તેમણે આ આત્યંતિક પગલું ભર્યું, તે દિશામાં એરફોર્સ સત્તાવાળાઓની આંતરિક તપાસ અને કોઠારા પોલીસની સંયુક્ત તપાસ શરૂૂ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *