લગ્નના 10 વર્ષ બાદ જન્મેલી છ માસની બાળકીનો શરદીએ ભોગ લીધો

મચ્છર જન્ય રોગચાળા બાદ હવે વાયરલ રોગચાળો વકરી રહ્યો હોય તેમ ઘરે ઘરે શરદી ઉઘરસના કેસો વધી રહ્યા છે. ત્યારે નાના મવા આવાસ કવાર્ટરમાં રહેતા…

મચ્છર જન્ય રોગચાળા બાદ હવે વાયરલ રોગચાળો વકરી રહ્યો હોય તેમ ઘરે ઘરે શરદી ઉઘરસના કેસો વધી રહ્યા છે. ત્યારે નાના મવા આવાસ કવાર્ટરમાં રહેતા દંપતિને લગ્નના 10 વર્ષ બાદ જન્મેલી છ માસની બાળકીનો શરદીએ ભોગ લેતા પરિવારમાં કલ્પાંત છવાઇ જવા પામ્યો છે. બાળકીને બે દિવસથી શરદી થઇ હોય ખાનગી ક્લીન્કમાં દવા લીધા બાદ આજે બેભાન થઇ જતા તેનુ મોત નિપજ્યુ હતું.

જાણવા મળતી વિગત મુજબ 150 ફૂટ રીંગરોડ પર નાના મવા ચોકડી પાસે આવેલા આવાસ કવાર્ટરમાં રહેતા રાજેશભાઇ નિમાવતની છ માસની પુત્રી દેવાંશી આજે સવારે પોતાના ઘરે બેભાન થઇ જતા તેને સારવાર માટે ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયા તેનુ મોત નીપજ્યુ હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી તાલુકા પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં રાજેશભાઇ રિક્ષા ચાલક છે. તેમને લગ્નના 10 વર્ષ બાદ દીકરી દેવાંશીનો જન્મ થતા દંપતિમાં ખુશીનો લાગણી છવાઇ હતી.

જો કે, આ ખુશી વધુ સમય ટકી ન હોય તેમ દેવાંશી હજૂ છ માસની થઇ હતી. ત્યારે બે દિવસ પહેલા તેને શરદી થતા ખાનગી ક્લીન્કમાંથી દવા લીધી હતી. દરમ્યાન આજે સવારે તેણી બેભાન થઇ જતા તેનુ મોત નિપજ્યુ હતું. એકની એક પુત્રીનો શરદીએ ભોગ લેતા બાવાજી પરિવારમાં કરૂણ કલ્પાંત છવાઇ જવા પામ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *