રાજ્ય અને કેન્દ્ર સરકારની અણઆવડતને કારણે ભાવમાં આગ ઝરતી તેજી: લોક સંસદ વિચાર મંચ, નારી સુરક્ષા સમિતિનો આક્ષેપ
લોકસંસદ વિચાર મંચના મહિલા આગેવાનો, જીલ્લા નારી સુરક્ષા સમિતિ (રાજકોટ)ના પ્રમુખ હેમાબેન કક્કડ, મહામંત્રી સરલાબેન પાટડીયા, એડવોકેટ ભાવનાબેન વાઘેલા, રજનીબેન આસવાણી, પારુલબેન સિધ્ધપુરા, જશુભા વાંક, કૈલાશબેન વાઘેલા, પદ્માબા ચૌહાણ, પ્રકુલાબેન ચૌહાણની સંયુક્ત યાદી જણાવે છે કે સીંગતેલમાં આગ ઝરતી તેજીના પગલે ગૃહિણીઓ દાઝી રહી છે. દિવાળી બાદ ડબ્બામાં ₹420 અને એક મહિનામાં ₹250 નો તોતિંગ ભાવ વધારાથી ગૃહિણીઓ ના રસોડાના બજેટ પર અસર પડી છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની અણ આવડતને પગલે સીંગતેલ નો સતત ભાવ વધારો થઈ રહ્યો છે.
તેલિયા રાજાઓ સાથેની સરકારની સાંઠ ગાંઠ ખુલી પડી ગઈ છે. રાજ્યના પુરવઠા મંત્રી પોતાની નૈતિક જવાબદારી સમજી રાજીનામું આપવું જોઈએ. સમગ્ર ભારતમાં મગફળીના થ ઉત્પાદનમાં ગુજરાત અગ્રીમ હરોળમાં સ્થાન ધરાવે છે. અને આ વખતે સારા વરસાદના પગલે મગફળીનો પાક મબલક થયો છે. ત્યારે સીંગતેલના ભાવ જે રીતે વધે છે એ પ્રકારે ઘટવા જોઈએ પરંતુ ’અચ્છે દિન’ ના સપના બતાવનાર શાસકો તેલના આસમાને વધતા જતા ભાવો ડામવામાં સદંતર નિષ્ફળ પુરવાર થયા છે. પ્રજાએ ખોબલે ને ખોબલે મતો આપ્યા છે. લોકોના ’અચ્છે દિન’ ના સપનાઓ ચકનાચૂર થયા છે. ’અચ્છે દિન’ નું ટેટુ છેતરામણું સાબિત થયું છે.
પ્રજા મોંઘવારીથી ત્રસ્ત શાસકો તાઇફા અને ચૂંટણીમાં વ્યસ્ત છે. ખાદ્ય સામગ્રીમાં સતત વધતા જતા ભાવો અને મોંઘુ દાટ બનેલું શિક્ષણ થી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને બે છેડા ભેગા કરવાનું મુશ્કેલ બન્યું છે. અને રાજ્યમાં મોંઘવારીના કપરા કાળને પગલે આપઘાત નું પ્રમાણ વધી રહ્યું છે જે સરકારના રેકોર્ડ પર પણ મૌજુદ છે. સીંગતેલના ડબ્બામાં બે પાંચ રૂૂપિયા વધતા ત્યારે અને મોંઘવારી ના પ્રશ્ને કલેકટર કચેરીને તાળાબંધી કરનારા શાસકો આજે ભૂગર્ભમાં છે. વિકાસના બણગાં ફુકનારા શાસકો મોંઘવારી ડામવામાં કુંભકર્ણની નિંદ્રામાં પોઢી ગયા છે.
