અજાણયા વાહનોના અકસ્માતમાં ‘ડમી’ ડ્રાઇવર-માલિક બની વળતર મેળવવાનું કૌભાંડ

મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલ (MACT) સમક્ષ વળતર મેળવવા માટે ગુજરાતમાં ચાલતા એક અત્યંત ચોંકાવનારા અને સુઆયોજિત વીમા કૌભાંડનો પર્દાફાશ થયો છે. હિટ એન્ડ રન જેવા…

મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલ (MACT) સમક્ષ વળતર મેળવવા માટે ગુજરાતમાં ચાલતા એક અત્યંત ચોંકાવનારા અને સુઆયોજિત વીમા કૌભાંડનો પર્દાફાશ થયો છે. હિટ એન્ડ રન જેવા અકસ્માતોમાં જ્યારે અસલી વાહનચાલક કે વાહનની ઓળખ ન થઈ શકે, ત્યારે પોલીસ ચોપડે બોગસ ડ્રાઈવર અને વાહન માલિકના નામ ઊભા કરીને વીમા કંપનીઓ પાસેથી લાખો રૂૂપિયાનું વળતર પડાવતી ટોળકી સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. તપાસમાં બહાર આવ્યું છે કે એક જ ડ્રાઈવરનું નામ 25 જેટલા અકસ્માત ક્લેમ કેસોમાં અને એક વાહન માલિકનું નામ 36 કેસોમાં વારંવાર સામે આવ્યું છે, જેના પગલે સમગ્ર રાજ્યમાં વીમા કૌભાંડની તપાસ તેજ બની છે.

આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ 2014ના એક અકસ્માત કેસની તપાસ દરમિયાન થયો હતો. 15 માર્ચ, 2014ના રોજ મહિસાગર જિલ્લાના અટાણા મુવાડા ગામ પાસે હનુમાન મંદિર નજીક સ્કૂટર પર જઈ રહેલા રમેશ બારિયા નામના વ્યક્તિને એક અજાણ્યા વાહને અડફેટે લેતા તેમનું મોત નીપજ્યું હતું. આ મામલે મહિસાગર જિલ્લાના કોઠંબા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. ત્યારબાદ મૃતક રમેશ બારિયાના પરિવારે ગોધરા સ્થિત મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલ (MACT) સમક્ષ રૂૂપિયા 23.4 લાખના વળતર માટે દાવો દાખલ કર્યો હતો. તપાસ ટીમ દ્વારા 16 ઓક્ટોબર, 2026ના રોજ સુપરત કરવામાં આવેલા રિપોર્ટના આધારે વીમા કંપનીએ કોઠંબા પોલીસ સ્ટેશનમાં મુસેબ સામોલ અને અસલમ ચુંચાળા વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ (FIR) નોંધાવી છે. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે 2014ના અકસ્માત સમયે મુસેબ સામોલ તે વાહન ચલાવતો ન હતો અને માત્ર વળતરનો દાવો મંજૂર કરાવવા માટે જ અસલમ ચુંચાળાની કારને ખોટી રીતે આ કેસમાં સંડોવી દેવામાં આવી હતી.

પોલીસ ફરિયાદમાં આ ટોળકીની કામ કરવાની પદ્ધતિ (મોડસ ઓપરેન્ડી) વિશે પણ ગંભીર ખુલાસા કરવામાં આવ્યા છે. જ્યારે કોઈ અકસ્માતમાં અસલી વાહનચાલકની ઓળખ ન થઈ શકે, ત્યારે મુસેબ અને અસલમ જેવા લોકો વચ્ચે પડીને પોલીસ રેકોર્ડમાં પોતાના નામ અને વાહનની વિગતો દાખલ કરાવતા હતા, જેથી મૃતક કે ઈજાગ્રસ્તના પરિવારજનો ટ્રિબ્યુનલમાંથી વીમાનું વળતર મેળવી શકે. આ બોગસ કામગીરી અને જોખમ ઉઠાવવાના બદલામાં આ બંને આરોપીઓ મંજૂર થયેલી વળતરની રકમમાંથી 5% થી 10% જેટલું કમિશન વસૂલતા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

કોઠંબા પોલીસે આ મામલે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 406 (વિશ્વાસઘાત), 420 (છેતરપિંડી) અને 120(બી) (ગુનાહિત કાવતરું) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, 60 વર્ષીય અસલમ ચુંચાળા અગાઉ પણ આવા જ કૌભાંડમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *