વડોદરામાંથી મળ્યો દુર્લભ અલ્બિનો પ્રજાતિનો પીળા રંગનો અલભ્ય કાચબો

કાચબાનો રંગ સામાન્ય રીતે ભૂખરો, લીલાશ પડતો કે પછી ભૂરો હોય છે પરંતુ વડોદરાના તરસાલી- ધનિયાવી રોડ પરથી આજે પીળા રંગનો અને ભાગ્યે જ જોવા…

કાચબાનો રંગ સામાન્ય રીતે ભૂખરો, લીલાશ પડતો કે પછી ભૂરો હોય છે પરંતુ વડોદરાના તરસાલી- ધનિયાવી રોડ પરથી આજે પીળા રંગનો અને ભાગ્યે જ જોવા મળતો અલ્બિનો કાચબો જોવા મળ્યો હતો. આ કાચબાને રેસ્ક્યૂ કરીને વન વિભાગને સુપરત કરવામાં આવ્યો છે.

વડોદરા શહેરની સંસ્થા ગુજરાત પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થાના એક્ટિવિસ્ટ રમેશ યાઈશે કહ્યું હતું કે, આજે બપોરના સમયે અમને કાચબાની જાણકારી આપતો કોલ આવ્યો હતો. સ્થળ પર જઈને જોયું તો પીળા રંગનો અને ઈન્ડિયન ફ્લેપશેલ ટર્ટલ પ્રજાતિનો લગભગ 10 ઈંચ લાંબો કાચબો જોવા મળ્યો હતો.જેની અંદાજીત વય એક વર્ષ હોઈ શકે છે.

સામાન્ય રીતે કાચબા ભૂખરા અને ઘેરા રંગના હોય છે પરંતુ લાખોમાં એક કેસમાં આનુવંશિક ખામી(જિનેટિક ડિફેકટ)ના કારણે કાચબામાં રંગદ્રવ્યો(મેલેનિન)નું ઉત્પાદન થતું નથી. કાચબા સીવાય અન્ય પ્રાણીઓમાં પણ આવા કેસ જોવા મળે છે. રંગદ્રવ્યોના અભાવે તેમની ત્વચા, વાળ, ભિંગડા સફેદ અથવા હળવા રંગના હોય છે. તેમની આંખો ગુલાબી કે લાલ રંગની હોય છે. કારણ કે રંગદ્રવ્યના અભાવે આંખોમાં રહેલી રક્તવાહિનીઓ સ્પષ્ટ દેખાય છે. અલ્બિનો પ્રાણીઓમાં પ્રકાશ પ્રત્યેની સંવેદનશીલતા પણ વઘુ હોય છે. રમેશ યાઈશના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં કદાચ પીળા રંગનો કાચબો મળ્યો હોય તેવો પહેલો અને સમગ્ર ભારતમાં સાતમો કિસ્સો છે. અગાઉ મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને તેલંગાણામાં પીળા રંગના કાચબા મળ્યા છે.

આ કાચબો શિડ્યુલ વન કેટેગરીમાં આવતો હોવાથી તેને વન વિભાગને સુપરત કર્યો છે. વનવિભાગના રેન્જ ઓફિસર કરણસિંહ રાજપૂતે કહ્યું હતું કે, અમને તળાવ પાસે અજોડ રંગનો કાચબો દેખાયો હોવાનો કોલ આવ્યો હતો. અમારી ટીમે તેને રેસ્ક્યૂ કરીને વન વિભાગના શેલ્ટરમાં રાખ્યો છે. ગુજરાતમાં આ પ્રકારનો કાચબો કદાચ પહેલી વખત દેખાયો છે. આ કાચબાનું સંરક્ષણ અને સારવાર શરુ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *