ઘુઘરાવાળા ઝાંઝરના રણકારથી સમગ્ર રાસોત્સવનું વાતાવરણ ધાર્મિક અને ભક્તિમય બન્યું : હાંસડી, વેઢલા, દામડી અને કેડ સુધીના ઘરેણાથી ગ્રાઉન્ડ ઝગમગ્યું
નવરાત્રિના પવિત્ર અવસરે જૂનાગઢ ખાતે આહીર યુવા મંચ દ્વારા આયોજિત રાસોત્સવમાં ભક્તિ અને પરંપરાનો અદ્ભુત સંગમ જોવા મળ્યો. આ યુવા મંચ દ્વારા કોરોનાકાળના એક વર્ષ સિવાય સતત 17 વર્ષથી નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પાંચમાં નોરતા(નવરાત્રિના છઠ્ઠા દિવસે)ની રાત્રે એક સાથે 8000થી વધુ આહિર ભાઈ-બહેનોએ રાસની રમઝટ બોલાવી હતી, જે થોડા સમય પહેલા દ્વારકામાં યોજાયેલા મહારાસની યાદોને તાજી કરનારી બની રહી હતી.
આ રાસોત્સવનું સૌથી આકર્ષક કેન્દ્ર બન્યું હતું 4000થી વધુ આહીરાણીઓનો પરંપરાગત મહારાસ. આ આહીરાણીઓએ કરોડો રૂૂપિયાના સોનાના પરંપરાગત ઘરેણાં ધારણ કરીને પ્રાચીન ગરબે ઘૂમી હતી. આહીરાણીઓએ માથાથી લઈને પગ સુધીના પારંપરિક ઘરેણાં પહેરીને ગરબે ઘૂમતા જાણે સંસ્કૃતિનો જીવંત વૈભવ પ્રગટ થતો હતો.
આહીર સમાજની પરંપરાને જીવંત રાખવા માટે, નવરાત્રિ દરમિયાન બે દિવસ માટે ટ્રેડિશનલ ડ્રેસ (પરંપરાગત પોશાક) ફરજિયાત રાખવામાં આવે છે. જેમાં ભાઈઓ ચોરણી અને પહેરણ તથા બહેનો કાપડું, ઓઢણી (પરણંપરાગત પહેરવેશ) અને સોનાના ઘરેણાં પહેરીને રાસમાં ભાગ લે છે. કપાળ પર બોર ને માથામાં દામડી આ રાસોત્સવમાં આહીરાણીઓએ માથા અને કપાળ પર બોર અથવા ટીકો ધારણ કર્યો હતો, જે તેમના કપાળની શોભા વધારતા હતા. જ્યારે માથામાં દામડી પહેરી હતી. ગળામાં વજનદાર અને નક્કર એવા હાંસડી જેવા આભૂષણો શોભતા હતા. તેની સાથે જ, નાના મણકાઓ કે બટનોવાળી બટનિયા અથવા પોત પહેરવામાં આવ્યા હતા, જે તેમના પરંપરાગત પોશાકને શાહી લુક આપતા હતા.
તો કાનમાં વેઢલું અને ભારે બુટ્ટી/ટોપ્સ જેવા ઘરેણાં પહેર્યા હતા. હાથ પર કોણીની ઉપરના ભાગે બાવઠિયું અથવા બાજુબંધ જોવા મળતા હતા. કાંડા પર વજનદાર કડલાં અને પહોંચી ધારણ કરવામાં આવ્યા હતા, જે રાસ રમતી વખતે મધુર રણકાર ઉત્પન્ન કરતા હતા. કમર પર ચાંદીનો કંદોરો અથવા કડલો બાંધવામાં આવ્યો હતો. પગની શોભા વધારવા માટે, આહીરાણીઓએ ભારે કડલાં (પગનાં) અને ઘૂઘરાવાળા ઝાંઝર પહેર્યા હતા. આ ઝાંઝરના રણકારથી સમગ્ર રાસોત્સવનું વાતાવરણ વધુ ધાર્મિક અને ભક્તિમય બની ગયું હતું. આ ભવ્ય શણગારની વચ્ચે આહીરાણીઓ જ્યારે પ્રાચીન ગરબે ઘૂમી ત્યારે જાણે સાક્ષાત ગોકુળિયું હોય એવો માહોલ રચાયો હતો.
આ આયોજનની સૌથી મોટી વિશેષતા એ છે કે આહિર યુવક મંડળના રસોત્સવમાં ક્યારેય ડિસ્કો દાંડિયા રમાયા નથી. અહીં માત્ર પ્રાચીન રાસ અને ગરબા દ્વારા જ માતાજીની આરાધના કરવામાં આવે છે. આ અંગે યુવા મંચે શરૂૂઆતથી જ પોતાની પરંપરા જાળવી રાખી છે. આહિર યુવા મંચ દ્વારા ભાઈઓ અને બહેનો માટે અલગ અલગ ગ્રાઉન્ડની વ્યવસ્થા કરવામાં આવે છે, જેના કારણે આશરે 8 થી 10 હજાર લોકો મહોત્સવમાં સુરક્ષિત રીતે ભાગ લઈ શકે છે.
