ફઇના ઘરે ધાર્મિક પ્રસંગ પતાવી બહેન-ભાણેજ સાથે પરત ફરતી યુવતીને નડ્યો જીવલેણ અકસ્માત; બસ ચાલકની લોકોએ ધોલાઇ કરી નાખી
જસદણના વિરનગરમાં રહેતી અને આટકોટમાં કે.ડી.પરવાડીયા હોસ્પિટલમાં કલાર્ક તરીકે ફરજ બજાવતી યુવતી રાજકોટમાં રહેતા ફઇના ઘરે ધાર્મિક પ્રસંગમાં આવી હતી. જયાથી બહેનના સ્કૂટર પાછળ બેસી ઘરે પરત ફરી રહી હતી ત્યારે સંતકબીર રોડ પર ખાનગી બસના ચાલકે સ્કૂટરને ઠોકરે ચડવાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં યુવતીનુ મોત નીપજ્યુ હતુ. જયારે બહેન ભાણેજને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા. ઘટનાને પગલે એકઠા થયેલા લોકોએ બસ ચાલકની ધોલાઇ કરી પોલીસે હવાલે કર્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જસદણના વિરપુર ગામે રહેતી દીપલીબેન અરવિંદભાઇ ચૌહાણ નામની 25 વર્ષની યુવતી રાજકોટમાં માંડાડૂંગર વિસ્તારમાં રહેતા ફઇના ઘરે ધાર્મિક પ્રસંગમાં આવી હતી. પ્રસંગ પુરો થતા પિતરાઇ બહેન કોમલબેન સચિનભાઇ મુલીયા, (ઉ.વ.32)અને ભાણેજ જીયાન સચિનભાઇ મુલીયા (ઉ.વ.4)સાથે સ્કૂટરમાં બેસી ભેચરી ખાતે રહેતા અન્ય ફઇના ઘરે જતા હતા. ત્યારે સંતકબીર રોડ પર રાંદરડા તળાવ સામે નાલા નજીક પહોંચતા પુરપાટ ઝડપે ધસી આવેલી ખાનગી બસના ચાલકે સ્કૂટરને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલી દીપાલીબેન ચૌહાણને ઘટના સ્થળે મોત નીપજ્યુ હતું. જયારે કોમલબેન અને તેના પુત્રને ઇજા પહોંચતા સારવા માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે એકઠા થયેલા લોકોએ ખાનગીબસના ચાલકે મેથીપાક ચખાડ્યો હતો. અકસ્માત સર્જનાર બસ ચાલકની પોલીસે અટકાયત કરી હતી.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક દીપાલીબેન ચૌહાણ એક ભાઇ એક બહેનમાં મોટી હતી અને આટકોટમાં આવેલી કે.ડી.પરવાડીયા હોસ્પિટલમાં કલાર્ક તરીકે ફરજ બજાવતી હતી. મૃતક યુવતી રાજકોટમાં ફઇના ઘરે પ્રસંગ પતાવી પિતરાઇ બહેન અને ભાણેજ સાથે અન્ય ફઇના ઘરે જઇ રહી હતી ત્યારે જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યુ છે.
