રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને વણઉકેલાયેલા ગુનાઓ શોધી કાઢવાની દિશામાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. શહેરના મ્હે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય મંડલિક, નાયબ પોલીસ કમિશનર હેતલ પટેલ (ઝોન-1) અને મદદનીશ પોલીસ કમિશનર બી.વી. જાધવ દ્વારા વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કરવા અને ગુનાખોરી ડામવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ માર્ગદર્શન હેઠળ આજીડેમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એન. પટેલ અને સબ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોહિલની રાહબરીમાં સર્વેલન્સ સ્કોડ સક્રિય રીતે તપાસમાં હતી.
તા.24/04ના રોજ પેટ્રોલિંગ દરમિયાન સર્વેલન્સ સ્કોડના હેડ કોન્સ્ટેબલ તેજપાલસિંહ સરવૈયા અને કોન્સ્ટેબલ ગોપાલભાઈ બોળીયા સહિતની ટીમને એક ચોક્કસ બાતમી મળી હતી. મળેલી સંયુક્ત હકીકતના આધારે પોલીસે કોઠારીયા મેઈન રોડ પર જયનગર ઢાળીયા પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થતા એક શંકાસ્પદ ઇસમને અટકાવી તેની પૂછપરછ અને તલાશી લેતા, તે આજીડેમ પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલો હોવાનું ખુલ્યું હતું.
ઝડપાયેલા આરોપીની ઓળખ રોહિત મનસુખભાઇ પરમાર (ઉંમર 20 વર્ષ) તરીકે થઈ છે, જે હાલ રાજકોટના લોઠડા ગામમાં ભાડાના મકાનમાં રહે છે અને મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના સુરી ગામનો વતની છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ગુનામાં અન્ય એક શખ્સ સુનીલ વઢીયારા (રહે. રીબડા, તા. ગોંડલ) પણ સંડોવાયેલો છે, જેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
આ કામગીરી દરમિયાન પોલીસે આરોપી પાસેથી કુલ રૂૂ. 69,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં રૂૂ. 14,000ની કિંમતનો મોબાઇલ ફોન, લૂંટાયેલા રોકડા રૂૂ. 5,000 અને ગુનામાં વપરાયેલું હીરો કંપનીનું સ્પ્લેન્ડર મોટરસાઇકલ (કિંમત રૂૂ. 50,000) નો સમાવેશ થાય છે. આ સફળ કામગીરીમાં એ.એસ.આઇ. રવિભાઇ વાંક, હેડ કોન્સ. સંજયભાઇ મિયાત્રા,હિતેશભાઈ અગ્રાવત અને મહેશભાઈ, પિયુષભાઈ ચિરોડીયા અને સમગ્ર સર્વેલન્સ ટીમનો મહત્વનો ફાળો રહ્યો છે. હાલ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
