સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝમાં બનાવ:કારખાનેદારે શટર પર પાન-ફાકી થૂંકવાની ના પાડતા દુકાનદારનો પીતો ગયો
રાજકોટ શહેરમાં સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝમાં પાન-મસાલા ખાઈને કારખાનાના શટર પર થૂંકવા બાબતે થયેલી બોલાચાલીની અદાવત રાખીને એક શખ્સે કારખાનામાં ઘૂસી માલિક પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ અંગે કારખાના માલિક મનીષભાઈ છગનભાઈ પરવાડીયાએ પડોશમાં પાનની દુકાન ધરાવતા સંજયભાઈ મુંધવા વિરૂૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ફરિયાદની વિગત મુજબ, ફરિયાદી મનીષભાઈ પરવાડીયા સમ્રાટ ઈન્ડસ્ટ્રીઝ શેરી નં. 30, પી.એન.ટી. કોલોની પાછળ ’વૃંદાવન પ્લાસ્ટિક’ નામનું કારખાનુ ચલાવે છે. તેમના કારખાનાની બાજુમાં આવેલ “માં શક્તિ” પાનની દુકાનના ગ્રાહકો મસાલા ખાઈને કારખાનાના શટર પર થૂંકતા હતા. આ બાબતે ફરિયાદીએ આશરે પંદર દિવસ પહેલા દુકાનદાર સંજયભાઈના ભાઈ જેઠાભાઈ મુંધવાને વાત કરી હતી. આ વાતનું મનદુ:ખ રાખીને આરોપી સંજયભાઈ મુંધવાએ ફરિયાદી સાથે વેર બાંધ્યું હતું.
તારીખ 15 મે 2026 ના રોજ સાંજે આશરે સાડા સાત વાગ્યે, મનીષભાઈ પોતાના કારખાને કામ પતાવીને બેઠા હતા, ત્યારે આરોપી સંજયભાઈ ત્યાં ધસી આવ્યો હતો. આરોપીએ “તારે જીવવું છે કે મરવું છે? તારું મોત મારા હાથે લખ્યું છે” તેમ કહી ગાળો આપવાનું શરૂૂ કર્યું હતું. ત્યારબાદ કારખાનામાં ઘૂસીને મનીષભાઈનો કોલર પકડી ગાલ પર જોરથી થપ્પડ મારી નીચે પાડી દીધા હતા અને ઢીકાપાટુનો માર માર્યો હતો, જેમાં ફરિયાદીને જમણા હાથની આંગળીમાં ઈજા થઈ હતી.
આસપાસના કારખાનાના માણસોએ દોડી આવીને ફરિયાદીને વધુ માર ખાતા બચાવ્યા હતા. જતી વખતે આરોપીએ મનીષભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે માલવીયાનગર પોલીસે ભારતીય ન્યાય સંહિતા ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી હેડ કોન્સ્ટેબલ અજય વિક્માને તપાસ સોંપી છે.
