શહેરમાં રેલનગર વિસ્તારમાં રહેતી નવોઢાએ લાઈટ બંધ કરવા મુદ્દે પતિ સાથે ઝઘડો થતાં ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રેલનગર વિસ્તારમાં આવેલ કર્ણાવતી સ્કૂલ પાસે રહેતી વૈશાલીબેન આનંદભાઈ પાંડે નામની 21 વર્ષની પરિણીતાએ લાઈટ બંધ કરવા મુદ્દે પતિ સાથે ઝઘડો થતાં ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં પરિણીતા મુળ વેસ્ટ બંગાળની વતની છે અને નવ માસ પૂર્વે જ આનંદ પાંડે સાથે પ્રેમ લગ્ન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત બીજા બનાવમાં સામાકાંઠે આરટીઓ ઓફિસની બાજુમાં રહેતી ભાનુબેન અરવિંદભાઈ રંગપરા નામની 27 વર્ષની પરિણીતા રાત્રીના સમયે પોતાના ઘરે રસોઈ બનાવતી હતી ત્યારે અકસ્માતે કુકર ફાંટતાં તેણી દાઝી ગઈ હતી. ઘટનાને પગલે ભાનુબેન રંગપરાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
