ભૂલ થઇ ગઇ, હવે વાઘની સળી નહીં કરીએ

જૂનાગઢ ઝૂમાં વાઘની પજવણી કરનાર રાજકોટના બે શખ્સોની ‘અક્કલ’ ઠેકાણે લાવતી પોલીસ જૂનાગઢના ઐતિહાસિક સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ગઈકાલે(13 જુલાઈ) વાઘના પાંજરા સામે પ્રવાસીઓનું એક મોટું…

જૂનાગઢ ઝૂમાં વાઘની પજવણી કરનાર રાજકોટના બે શખ્સોની ‘અક્કલ’ ઠેકાણે લાવતી પોલીસ

જૂનાગઢના ઐતિહાસિક સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ગઈકાલે(13 જુલાઈ) વાઘના પાંજરા સામે પ્રવાસીઓનું એક મોટું ટોળું એકત્રિત થઈને વન્યજીવ નિહાળી રહ્યું હતું. ત્યારે એક અત્યંત આઘાતજનક અને શરમજનક ઘટના સામે આવી હતી. આ એકત્રિત થયેલા ટોળામાંથી રાજકોટના બે પ્રવાસીઓ દ્વારા પાંજરામાં ઉભેલા અબોલ વાઘના મોઢા પર ગમછો એટલે કે કપડું નાખીને તેને ગંભીર રીતે હેરાનગતિ કરવામાં આવી હતી. જેનો વીડિયો વાયરલ થયા બાદ બન્ને શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.

આ ગુનાહિત કૃત્ય આચર્યા બાદ ઝડપાયેલા બંને આરોપીઓને વન વિભાગ દ્વારા પાંજરાની સામે જ ઉભા રાખીને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું અને તેમની પાસે જાહેરમાં માફી મગાવવામાં આવી હતી. વાઘના પાંજરા સામે હાથ જોડીને ઉભેલા બંને આરોપીઓએ ભારે પસ્તાવો વ્યક્ત કરતા પોતાની ભૂલ સ્વીકારી હતી અને જણાવ્યું હતું કે, તેઓ સક્કરબાગ ઝૂની મુલાકાતે આવ્યા હતા અને તે સમયે તેમનાથી વાઘના મોઢા પર કપડું નાખીને હેરાન કરવાનું મોટું કૃત્ય થઈ ગયું હતું. આ સાથે જ આરોપીઓએ અન્ય પ્રવાસીઓને પણ અપીલ કરી હતી કે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત વખતે કોઈપણ વન્યજીવને ખોટી રીતે ખાવાનું આપીને કે અન્ય કોઈ રીતે ક્યારેય હેરાન કરવા જોઈએ નહીં.

પ્રાથમિક તપાસમાં માલૂમ પડ્યું હતું કે, આ ગુનાહિત ઘટના ગત 12 જુલાઈના રોજ સક્કરબાગ ઝૂની અંદર જ બની હતી અને તે જ દિવસે આ વીડિયો પણ ઉતારવામાં આવ્યો હતો. ત્યારબાદ વન વિભાગે ઝૂ પરિસરમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવ્યા હતા અને પોલીસની નેત્રમ શાખાની સક્રિય મદદ લઈને આ ગુના સબબે બંને તોહમતદારોને ટ્રેક કરીને કાયદાના સિકંજામાં લીધા હતા. આ પજવણીના કેસમાં ઝડપાયેલા આરોપીઓમાં 43 વર્ષીય શિરોડીયા દેવાભાઈ નાગજીભાઈ અને 35 વર્ષીય શિરોડીયા બાબુલાલ ભીમાભાઈનો સમાવેશ થાય છે. આ બંને તોહમતદારો રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના બોડી ઘોડી ગામના વતની છે. આ બંને શખ્સો ગત 12 જુલાઈના રોજ પ્રવાસી તરીકે જૂનાગઢ સક્કરબાગ ઝૂની મુલાકાતે આવ્યા હતા અને તે દરમિયાન જ તેઓએ કાયદાનું ઉલ્લંઘન કરીને સુરક્ષિત પાંજરામાં રહેલા વાઘની પજવણી કરવાનું કૃત્ય આચર્યું હતું, જે સીસીટીવી ફૂટેજમાં પણ કેદ થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *