શહેરના જામનગર રોડ પર પરસાણાનગરમાં રહેતી અને ત્રણ દિવસથી ઠક્કરબાપા નગરમાં રિસામણે આવેલી પરિણીતાએ એસ્ટ્રોન ચોક પાસે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પતિ સાથે ઝઘડો થતાં માવતરે આવી આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.
જાણવા મળતી વિગત મુજબ, હાલમાં સદર બજારમાં આવેલા ઠક્કરબાપાનગરમાં રહેતી કિંજલ સનીભાઈ ગડીયલ (ઉ.22) નામની પરિણીતાએ આજે સવારે એસ્ટ્રોન ચોક નજીક ફિનાઈલ પી લેતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં તેના લગ્ન એક વર્ષ પહેલા જામનગર રોડ પર પરસાણાનગરમાં રહેતા સની ગડીયલ સાથે થયા છે. પતિ બેંકમાં નોકરી કરે છે. વધુ તપાસમાં પતિ સાથે ઝઘડો થતાં તેણી ત્રણ દિવસથી માવતરે રિસામણે આવી હતી. દરમિયાન આજે આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.
