ગોંડલના વાસાવડમાં ઘરની અગાસી ઉપર સૂતેલી પરિણીતાની છેડતી

ગોંડલ તાલુકાના વાસાવડ ગામે ઘરના ધાબા પર ઊંઘી રહેલી 32 વર્ષીય પરિણીતાની મચ્છરદાની ખોલી બદઈરાદાથી તેનો હાથ પકડી છેડતી કરવામાં આવી હોવાની ફરિયાદ સુલ્તાનપુર પોલીસ…

ગોંડલ તાલુકાના વાસાવડ ગામે ઘરના ધાબા પર ઊંઘી રહેલી 32 વર્ષીય પરિણીતાની મચ્છરદાની ખોલી બદઈરાદાથી તેનો હાથ પકડી છેડતી કરવામાં આવી હોવાની ફરિયાદ સુલ્તાનપુર પોલીસ મથકે નોંધાતા ચકચાર મચી ગઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, વાસાવડ ગામે મહાકાળી મંદિર પાસે રહેતી 32 વર્ષીય પરિણીતાએ પોતાના જ પાડોશમાં રહેતા અનીલ ભગુભાઈ પરમાર નામના શખ્સ વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે. ઘટનાની વિગત એવી છે કે, ગત તારીખ 12/06/2026 ના રોજ રાત્રિના આશરે 12:00 થી 12:15 વાગ્યાના અરસામાં ફરિયાદી મહિલા અને તેના પતિ પોતાના મકાનના ધાબા પર સૂતા હતા. મહિલા ધાબા પર નીચે મચ્છરદાની બાંધીને સૂતી હતી, ત્યારે પાડોશી અનીલ પરમાર ગુપ્ત રીતે ધાબા પર ચડી આવ્યો હતો. તેણે મચ્છરદાની ખોલીને બદઈરાદા સાથે પરિણીતાનો ડાબો હાથ પકડી લીધો હતો.

બૂમાબૂમ થતાં આરોપી પતરા પરથી ભાગ્યો અજાણ્યા સ્પર્શના કારણે પરિણીતા એકાએક નિંદ્રામાંથી જાગી ગઈ હતી અને ગભરાઈને રાડારાડ કરવા લાગી હતી. મહિલાએ બૂમો પાડતા જ પકડાઈ જવાની બીકે આરોપી અનીલ પરમાર ત્યાંથી ભાગવા લાગ્યો હતો. ફરિયાદીએ તથા આસપાસના લોકો અને તેની દેરાણી પૂજાબેને આરોપીને ધાબા પરથી બાજુના મઢના પતરા પર થઈને પોતાના ઘર તરફ ભાગતો સ્પષ્ટપણે જોયો હતો.

આ ઘટના અંગે ભોગ બનનાર મહિલાએ સુલ્તાનપુર પોલીસ મથકમાં લેખિતમાં ફરિયાદ આપતા પોલીસે આરોપી અનીલ ભગુભાઈ પરમાર વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ની કલમ 74 તથા કલમ 329(3) હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ગુનાની આગળની તપાસ સુલ્તાનપુર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ વસંતભાઈ સરીયા ચલાવી રહ્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *