અજાણ્યા શખ્સોએ ફેંકેલી ક્લોરિન ટેંક લિકેજ થતા રાતભર અફરાતફરી

અમદાવાદના 24 કલાક ધમધમતા SG હાઇવે ઉપર ભયંકર ઘટના, ફાયર બ્રિગેડના 6 જવાનોને અસર, લોકોને શ્ર્વાસ લેવામાં તકલીફ-આંખોમાં બળતરા સતત 12 કલાક ચાલ્યુ ઓપરેશન, રાત્રે…

અમદાવાદના 24 કલાક ધમધમતા SG હાઇવે ઉપર ભયંકર ઘટના, ફાયર બ્રિગેડના 6 જવાનોને અસર, લોકોને શ્ર્વાસ લેવામાં તકલીફ-આંખોમાં બળતરા

સતત 12 કલાક ચાલ્યુ ઓપરેશન, રાત્રે સોલા ભાગવત પીઠ વિસ્તાર ખાલી કરાવવા તૈયારી કરાઇ, જાહેરમાં ગેસની ટેંક ફેંકવાના ઇરાદા અંગે શંકા

અમદાવાદના ચોવીસે કલાક સતત ધમધમતા એસ.જી.હાઈવે ઉપર સોલા ભાગવત પીઠ નજીક ગઈકાલે મોડી સાંજે અજાણ્યા શખ્સો કલોરીન ગેસ ભરેલી વિશાળ ટેંક ફેંકીને નાસી ગયા હતાં. જ્યારે પાછળથી આ ટાંકી લિકેજ થતાં આસપાસના લોકોને આંખ અને ગળામાં બળતરા થવા લાગતાં ભારે અફડાતફરી મચી જવા પામી હતી. ફાયર બ્રિગેડની ટીમે ગેસ ગળતર અટકાવવા પાણીનો મારો ચલાવતાં 12 કલાકે ગેસ લિકેજ બંધ થયું હતું. જ્યારે ફાયર બ્રિગેડનાં છ જવાનોને અસર થવા પામી હતી.

કલોરિન ગેસની ટાંકી જાહેરમાં ફેંકી જવા પાછળ અજાણ્યા શખ્સોનો ઈરાદો સ્પષ્ટ થયો નથી પરંતુ ફાયર બ્રિગેડે સતત 12 કલાક મહેનત કરવી પડી હતી અને એક તબક્કે એસ.જી.હાઈવે બંધ કરી સોલા ભાગવત પીઠ આસપાસનો વિસ્તાર ખાલી કરાવવા પણ તૈયારી કરી હતી. જાહેરમાં કલોરીન ગેસની ટેંક ફેંકી જવા પાછળનો અજાણ્યા શખ્સોનો ઈરાદો શું હતું તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ 7 ડિસેમ્બરના રોજ સાંજે 5:40 વાગ્યે ફાયરબ્રિગેડ કંટ્રોલરૂૂમમાં મેસેજ મળ્યો હતો કે સોલા ભાગવત વિદ્યાપીઠ નજીક ખુલ્લા પ્લોટમાં એક ગેસના બોટલમાંથી લીકેજ થાય છે અને લોકોને આંખોમાં તેમજ ગળામાં બળતરા થઈ રહી છે. જેથી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક અલગ અલગ સાધનો સાથે ઘટનાસ્થળ પર પહોંચી હતી.

માધવ ઔડા ગાર્ડનના ખુલ્લા પ્લોટમાં કોઈ અજાણી વ્યક્તિએ ક્લોરિન ગેસની બોટલ નાખી દીધી હતી જેમાંથી ગેસ સતત લીકેજ થઈ રહ્યો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ સૌપ્રથમ આ ગેસના લીકેજને બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે તે બંધ થઈ શકે તેવી સ્થિતિ નહોતી. જેથી ફાયરના જવાનોએ સતત પાણીનો મારો ચલાવ્યો હતો.

ક્લોરિન ગેસ સતત બહાર આવી હવામાં ફેલાઈ રહ્યો હતો જેથી ફાયરના જવાનો તેના પર પાણી છાંટી રહ્યા હતા. ત્યારે છ ફાયર જવાનોને ક્લોરિન ગેસની અસર થઈ હતી. જેથી તેઓને ત્યાંથી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફાયરની બેથી વધુ ટીમો સતત પાણીનો મારો ચલાવી રહી હતી. જોકે ક્લોરિન ગેસ એટલો વિશાળ માત્રામાં બહાર આવી રહ્યો હતો કે ફાયરના જવાનોને પણ તકલીફ પડી રહી હતી, છતાં પણ ફાયરના જવાનોએ કામગીરી ચાલુ રાખી હતી. હવામાં ગેસ ઓછો ફેલાય અને લોકોને ઓછી તકલીફ પડે તેના માટે આ કામગીરી કરાઈ હતી.

ફાયર વિભાગની ટીમે વહેલી સવારે 7:40 વાગ્યા સુધી ક્લોરિન ગેસની બોટલ જ્યાં સુધી ખાલી ન થઈ ત્યાં સુધી સતત પાણીનો મારો ચલાવ્યો હતો. પાણીનો મારો ચલાવી ગેસને સંપૂર્ણપણે કાબુમાં લઈ લેવામાં આવ્યો હતો. જોકે આ ઘટનામાં ગેસ આજુબાજુમાં ફેલાઈ ગયો હતો જેના કારણે કેટલાક લોકોને પણ અસર થઈ હતી. આ કામગીરી ચાલી રહી હતી તે દરમિયાનમાં બીજા ચાર જેટલા ફાયર જવાનોને પણ ગેસની અસર થઈ હતી, જેમાં આંખોમાં અને ગળામાં બળતરા થઈ હતી જેથી તેમને ત્યાંથી દૂર કરી દેવામાં આવ્યા હતા. 12 કલાકની ભારે જહેમત બાદ સંપૂર્ણપણે કાબુ આવી ગયો હતો. જોકે આ ક્લોરિન ગેસની ભરેલી બોટલ કોણ આ રીતે ફેંકી ગયું અને તેમાંથી કેવી રીતે ગેસ લીકેજ થયો તેને લઈને સોલા પોલીસને પણ જાણ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *