ઝેરી દવા પી લેનાર ગુંદાસરાના યુવક સામે પરિણીતાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી

મૈત્રીકરારથી રહેતા શખ્સે ફોટા વાયરલ કરી ઘરે ધમાલ મચાવી ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામે રહેતા એક યુવકે ગંભીર આક્ષેપો સાથે આત્મહત્યાનો પ્રયાસ કર્યા બાદ હવે આ…

મૈત્રીકરારથી રહેતા શખ્સે ફોટા વાયરલ કરી ઘરે ધમાલ મચાવી

ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામે રહેતા એક યુવકે ગંભીર આક્ષેપો સાથે આત્મહત્યાનો પ્રયાસ કર્યા બાદ હવે આ મામલે નવો વળાંક આવ્યો છે. તેની સાથે મૈત્રી કરારથી રહેતી એક પરિણીતાએ યુવક વિરુદ્ધ ધમકી અને દુષ્કર્મની ગંભીર ફરિયાદ નોંધાવતા પંથકમાં ચકચાર મચી ગઈ છે.

ફરિયાદ મુજબ, ગુંદાસરા ગામના રહેવાસી આશિષ રમેશભાઈ રામોલિયા (ઉં.વ. 32) એ ભોગ બનનાર પરિણીતાને પોતે અપરિણીત હોવાનું ખોટું કહી વિશ્વાસમાં લીધી હતી. આરોપીએ પરિણીતા સાથે મૈત્રી કરાર કર્યા હતા અને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. જોકે, બાદમાં આરોપી પોતે પરિણીત હોવાની જાણ થતા પરિણીતાએ તેની સાથેના મૈત્રી કરાર તોડી નાખ્યા હતા.

આરોપી આશિષે પરિણીતાને બદનામ કરવા માટે આધુનિક ટેકનોલોજીનો સહારો લીધો હોવાનો ગંભીર આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. મૈત્રી કરારનો અંત આવ્યા બાદ,આરોપીએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ના માધ્યમથી પરિણીતાના ચહેરાનો ઉપયોગ કરી ખોટા અને બિભત્સ ફોટા બનાવ્યા હતા.આ ફોટાઓ દ્વારા સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમોથી તેણીને સમાજમાં બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.પરિણીતાએ છેડો ફાડી નાખતા ઉશ્કેરાયેલા આરોપીએ આટલેથી ન અટકીને પરિણીતાના ઘર પાસે જઈ હંગામો મચાવ્યો હતો.આ ઉપરાંત, તેણે પરિણીતાના પતિને પણ ફોન પર ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરાયો છે.

નોંધનીય છે કે,આ ફરિયાદ નોંધાય તે પહેલા ત્રણ દિવસ અગાઉ આરોપી આશિષ રામોલિયાએ યુવતી સામે ગંભીર આક્ષેપો કર્યા હતા અને ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલ તે સારવાર હેઠળ છે,ત્યારે બીજી તરફ પીડિતાની ફરિયાદને આધારે ગોંડલ પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ, આઈટી એક્ટ અને ધમકી આપવા બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ કેસમાં અઈં દ્વારા બનાવવામાં આવેલા ફોટાઓ અંગે સાયબર ક્રાઈમની મદદ લેવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *