કાલાવડના મોટા વડાળા ગામે રહેતી પરિણીતા જમતી હતી તે વખતે આંચકી આવતાં બેભાન હાલતમાં ઢળી પડી હતી. પરિણીતાને સારવાર મળે તે પૂર્વે જ મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, કાલાવડના મોટા વડાળામાં રહેતી આરતીબેન નિતીનભાઈ કોટડીયા નામની 28 વર્ષની પરિણીતા રાત્રીના સમયે પોતાના ઘરે જમતી હતી તે સમયે આંચકી આવતાં બેભાન હાલતમાં ઢળી પડી હતી. પરિણીતાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી.
મૃતક પરિણીતાને સંતાનમાં એક પુત્રી છે. આ ઉપરાંત બીજા બનાવમાં મોરબીમાં નગર દરવાજા પાસે રહેતાં રફીકભાઈ અમલાણી નામના 46 વર્ષંના પ્રૌઢ રાત્રીના સમયે પોતાના ઘરે ગબડી પડતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
