શેરીમાં ‘ગંજી-ચડ્ડો’ પહેરીને બેસવાની ના પાડી યુવક પર ‘બંધુક’ નામના શખ્સનો હુમલો

હુમલાખોરે સોનાનો ચેન તોડી નાખ્યો,પથ્થરમારો કરતા યુવકને ઇજા:મનહરપરાનો બનાવ શહેરના થોરાળા વિસ્તારના મનહરપરા શેરી નંબર 7માં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.ગરમીના કારણે પોતાના ઘર…

હુમલાખોરે સોનાનો ચેન તોડી નાખ્યો,પથ્થરમારો કરતા યુવકને ઇજા:મનહરપરાનો બનાવ

શહેરના થોરાળા વિસ્તારના મનહરપરા શેરી નંબર 7માં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.ગરમીના કારણે પોતાના ઘર પાસે ગંજી અને ચડ્ડો પહેરીને બેઠેલા મનહરપરા શેરી.7માં રહેતા સુરેશભાઈ હરિભાઈ બાબરિયા નામના 38 વર્ષીય શ્રમિક યુવક પર પડોશમાં જ રહેતા સોહિલ ઉર્ફે બંધુક મહેબૂબભાઈ મુલતાનીએ હિંસક હુમલો કર્યો હતો. ઘટનાની વિગતો મુજબ, ગત સોમવારના રોજ સવારે સાડા નવ વાગ્યાની આસપાસ જ્યારે ફરિયાદી પોતાના ઘર પાસે હાજર હતા, ત્યારે આરોપી સોહિલે ત્યાં આવીને ’શેરીમાં આવા કપડાં પહેરીને કેમ બેસો છો’ તેમ કહી તકરાર શરૂ કરી હતી. ફરિયાદીએ ગરમી અને ગભરામણની તકલીફ હોવાનું જણાવી બચાવ કર્યો હોવા છતાં, આરોપીએ ઉશ્કેરાઈને ગાળો આપવાનું શરૂ કર્યું હતું અને મામલો મારામારી સુધી પહોંચ્યો હતો.

ઝઘડા દરમિયાન આરોપી સોહિલ મુલતાનીએ ફરિયાદી સુરેશભાઈ સાથે ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. આટલેથી ન અટકતા, આરોપીએ શેરીમાં પડેલો પથ્થર ઉપાડીને ફરિયાદીના માથા પર માર્યો હતો, જેના કારણે સુરેશભાઈને કપાળના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને લોહી નીકળવા લાગ્યું હતું. હુમલો કર્યા બાદ આરોપીએ જતી વખતે એવી ધમકી પણ આપી હતી કે, ’આ વિસ્તાર છોડી દેજો નહિતર જાનથી હાથ ધોઈ બેસશો’. આ હિંસક ઘટના દરમિયાન ફરિયાદીએ ગળામાં પહેરેલો સોનાનો ચેન પણ તૂટી ગયો હતો, જેનો એક ટુકડો ગુમ થઈ જતાં અંદાજે 40,000 રૂપિયાનું આર્થિક નુકસાન થયું હોવાનું ફરિયાદમાં નોંધાવાયું છે.

ઘટના બાદ ઈજાગ્રસ્ત સુરેશભાઈને તેમની પત્ની કાજલબેન દ્વારા 108 ઈમરજન્સી સેવા મારફતે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લીધા બાદ સુરેશભાઈએ થોરાળા પોલીસ સ્ટેશનમાં સોહિલ મુલતાની વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા ની કલમ 115(2), 118(1), 324(4), 125(ફ), 352, 351(2) તેમજ જી.પી. એક્ટની કલમ 135(1) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોહનભાઈ મહેશ્વરી ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *