રેસકોર્સ મેદાનમાં બહુમાળી સામે ચકરડી તથા ચા પાનની કેબિન સહિત ચાર કેબિનના તાળા તોડી રાત્રિના તસ્કરો અહીંથી બેટરી તેમજ રોકડ રકમ સહિત કુલ રૂૂપિયા ચોરી કરી ગયા અંગે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.ચોરીના આ બનાવને લઇ પ્ર.નગર પોલીસે અહીં જ મકાઇની લારી ધરાવનાર મહિલાના પુત્રને ઝડપી લઇ બનાવનો ભેદ ઉકેલી નાંખ્યો હતો.આરોપી પાસેથી પોલીસે રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ બનાવ અંગે ધવલભાઈ કુલુભાઈ ધોળકિયા (ઉ.વ 26 રહે. મોચી નગર 2, શીતલ પાર્કની બાજુમાં) દ્વારા પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે રેસકોર્સ મેદાનમાં બહુમાળી ભવન સર્કલથી અંદર મેળામાં ચકરડી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે.
ગઈ તા. 10/2 નવરાત્રીના 12:30 વાગ્યે રેકડી બંધ કરી ઘરે જતા રહ્યા બાદ બીજા દિવસે સવારના 10:30 વાગ્યે તે ઘરે હતો ત્યારે કિશન તુલસીભાઈ તૈલીનો ફોન આવ્યો હતો કે તમારી રેસકોર્સ ગ્રાઉન્ડમાં આવેલી ચકરડીના કેબીનના તાળા તૂટેલા છે અને ચોરી થઈ હોય તેવું લાગે છે. જેથી તે તુરંત અહીં રેસકોર્સ ખાતે પહોંચ્યો હતો.
અહીં આવી જોતા એક બેટરી જોવા મળી ન હતી તેમજ બાજુવાળા ચેતનભાઇ રાઠોડ કે જેમની બાજુમાં જ પાનની કેબીન આવેલી હોય તેમણે જણાવ્યું હતું કે મારી કેબિનનું પણ તાળું તૂટેલું હતું અને ટેબલના ખાનામાં રાખેલ પરચુરણ રકમ રૂૂ.1250 ની ચોરી થઈ ગઈ છે. આમ રાત્રિના રેસકોર્સ મેદાનમાં ચકરડી પાનની દુકાન ચાની દુકાન સહિતના ટેબલના ખાના તોડી તસ્કરો કુલ રૂૂપિયા 6050 ની મત્તાની ચોરી કરી ગયા હતા. જે અંગે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્ર.નગર પોલીસ મથકમાં પીઆઇ વી.આર.વસાવાની રાહબરી હેઠળ પીએસઆઇ આઇ.એ. બેલીમ તથા ટીમે તપાસ હાથ કરણ દિનેશભાઇ જીંજુવાડીયા(ઉ.વ 22 રહે. સદર બજાર) ને ઝડપી લઇ ગણતરીની કલાકોમાં ચોરીના આ બનાવનો ભેદ ઉકેલી નાંખ્યો હતો.પોલીસે આરોપી પાસેથી રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.પોલીસે જણાવ્યું હતું કે, આરોપી કરણની માતા અહીં જ રેસકોર્સ મેદાનમાં મકાઇની લારી રાખતી હોય જેથી કરણ અહીં આવતો જતો હતો.જેથી તેણે રાત્રીના આ ચોરીના બનાવને અંજામ આપ્યો હતો.