શહેરના ગાયકવાડી વિસ્તારમાં દારૂ લેવા ગયેલા યુવાનને દારૂના ધંધાર્થીએ ઇંટ વડે માર મારી શરીરે કાળી ભૂંકી લગાડી દીધી હતી. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
જાણવા મળતી વિગત મુજબ ગાયકવાડી શેરી નં.5માં આવાસ યોજના કવાર્ટર પાસે રહેતો સંદિપ રાજેશભાઇ કુવાડીયા (ઉ.વ.19) નામનો યુવાન આજે બપોરે ઘર પાસે દારૂ વેચતા પકો રઘુ વાજેલીયા પાસે દારૂ લેવા ગયો હતો.
ત્યારે પકાએ ‘તુ અહીંથી ચાલ્યો જા, મારી માતા આવી જશે’ તેમ કહી ઇંટ વડે માર માર્યો હતો અને શરીરે કાળી ભૂંકી ચોપડી દીધી હતી. જેથી સંદિપને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી પ્ર.નગર પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ ઇજાગ્રસ્ત યુવાનનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.
