સાવરકુંડલામાં આવેલી ફ્રેન્સ સોસાયટીમાં રહેતો યુવાન પોતાનું ટ્રેક્ટર લઈને માટી ભરવા ગયો હતો. ત્યારે માટી ભરતા અન્ય બે શખ્સોએ તું અહીં કેમ માટી ભરવા આવ્યો છો તેમ કહી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ સાવરકુંડલામાં આવેલી ફ્રેન્સ સોસાયટીમાં રહેતા કમલેશ ધીરુભાઈ રાણાવડીયા નામનો 25 વર્ષનો યુવાન બપોરના સાડા બારેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતો ત્યારે રાકેશ કોળી અને વિપુલ કોળીએ પાઇપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં કમલેશ રાણાવાડીયા ટ્રેક્ટરમાં મજૂરી કામ કરે છે અને ગઈકાલે ટ્રેક્ટરમાં માટી ભરવા ગયો હતો ત્યારે હુમલાખોર શખ્સોએ તું અહીં કેમ માટી ભરવા આવ્યો છે તેમ કહી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે સાવરકુંડલા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
