સુરતમાં મોરાભાગળ વિસ્તારમાં બોયફ્રેન્ડે લગ્ન કરવાની ના પાડતા પ્રેમધેલી એક યુવતીએ હાઇટેન્શન પાવર લાઇનના ટાવર ઉપર ચડી જઇ તમાસો કરતા ફાયરબ્રિગેડ સ્ટાફે માંડ માંડ નીચે ઉતારી હતી.
મળતી માહિતી મુજબ, દિલ્હીથી યુવતી સિંગણપર વિસ્તારમાં રહેતા તેના પ્રેમીને મળવા માટે આવી હતી. ગઈકાલ રાતે તેઓ બન્ને હોટલમાં રોકાયા હતા. સવારે યુવતી અને તેનો પ્રેમી હોટલમાં જમવા માટે ગયા હતા, તે દરમિયાન તેમના વચ્ચે લગ્નની બાબતને લઈને માથાકૂટ થઈ હતી. યુવતી હોટલમાં જમી રહી હતી, ત્યારે તેનો સામાન અને રૂૂપિયા લઈને તેનો પ્રેમી ફરાર થઈ ગયો હતો. યુવતીએ સુસાઇડ કરવાનો વિચાર કર્યો હતો અને તાપી નદી કિનારે કોઝવે પાસે જઈને હાઈટેન્શન ટાવર ઉપર ચઢી ગઈ હતી.
યુવતી હાઈટેન્શન લાઈન પર ચડી હોવાનો કોલ મળતાની સાથે જ ફાયરબ્રિગેડ સ્ટાફ દોડયો હતો. યુવતી ટાવરના ચોથા પીલર ઉપર હતી. તેને ઘણી સમજાવી હતી અને ત્યારબાદ ધીરે ધીરે તેને વાતમાં રાખીને ફાયરના જવાનો સાથે ઉપર ચડીને તેને નીચે ઉતારી લીધી હતી. નીચે પડી ન જાય તેના માટે વ્યવસ્થિત તેને બાંધી દીધી હતી, જેથી કરીને ઉતારતી વખતે પણ જો તે કૂદી પડે તો કોઈ ઈજા ન થાય. યુવતી દિલ્હીથી સુરત આવી હોવાનું જણાવ્યું હતું. માથાના ભાગે ઈજા થવાથી લોહી નીકળતું હતું, જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી.
આ મામલે યુવતીએ જણાવ્યું હતું કે, હું દિલ્હીથી મારા પ્રેમીને મળવા માટે સુરત આવી હતી. છેલ્લા ઘણા વર્ષોથી હું તેની સાથે પ્રેમમાં હતી. અમારી વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાયા હતા. સુરત આવીને તેની સાથે લગ્ન કરવાની વાત કરતા તે મારો સામાન લઈને ભાગી છુટ્યો હતો. આખરે મેં જીવન ટૂંકાવવાનું નક્કી કરી લીધું હતું. જેથી હું હાઈટેન્શન ટાવર ઉપર ચઢી હતી.
