રહેણાંક વિસ્તારમાં થતા મારણથી લોકો અને પશુપાલકોમાં ફફડાટ
અમરેલી જીલ્લા માં સિંહોની વસ્તી સતત વધતી જાય છે ત્યારે અમરેલી જીલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયા અને તેની આસપાસના વિસ્તાર માં સિંહ પરિવારોના વસવાટ ઘણા સમયથી જોવા મળી રહ્યા છે. વડિયા માં વસવાટ કરતા સિંહ પરિવાર દ્વારા વડિયાના કૃષ્ણપરા વિસ્તાર માં આવેલાં માલધારીઓના વાડા આસપાસ થી છેલ્લા થોડા સમયમાં વારંવાર મારણ કર્યાની ઘટનાઓ સામે આવેતી જોવા મળી છે. ગઈ કાલે રાત્રે વડિયાના કૃષ્ણપરા વિસ્તાર માં ઢૂંઢિયા પીપળીયા ગામ તરફ જવાના રસ્તે આવેલાં બિલેશ્વર મહાદેવ મંદિર પાસે રહેણાંક વિસ્તાર માં એક વાછડી (ગાય )નુ મારણ કર્યું હતુ.
આ રહેણાંક વિસ્તાર આસપાસ થતા મારણ થી વડિયા માં વસવાટ કરતા પશુપાલકો અને લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. તો બીજી બાજુ સિંહ પ્રેમીઓ દ્વારા વડિયા વિસ્તાર માં વધતી અને કાયમી રહેઠાણ બનાવતા સિંહોથી ખુશી પણ જોવા મળી રહી છે. વડિયા ની સુરવો નદી કિનારે આવેલાં કાંટાળા ઝાળી વિસ્તાર માં ત્રણ બચ્ચાઓ સાથે ઘણા સમયથી સિંહણ રહેતી હોવાનું સામે આવ્યું છે. તો બીજા અનેક સિંહ આ વિસ્તાર માં વસવાટ કરતા જોવા મળી રહ્યા છે.
જો કે સિંહો ની દેખરેખ માટે વન વિભાગના કર્મચારીઓ સતત રાતદિવસ દેખરેખ રાખતા જોવા મળી રહ્યા છે જેથી કોઈ સિંહ પંજવણી કે મનુષ્ય પર હુમલાઓ કે નુકશાનની ઘટનાઓ બનતી સામે ના આવે.
