નવલા વર્ષના પાવન અવસરે કોળીસમાજમાંસામાજિક એકતા, ભાઈચારો, સંગઠન અને પરસ્પર સ્નેહની ભાવનાને વધુ મજબૂત બનાવવાના ઉમદા આશય સાથે કોળી સમાજ-કોળી સેના દ્વારા ઉના-દેલવાડા રોડ પર આવેલા ટાઉન હોલ ખાતે ભવ્ય સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના ઇતિહાસમાં પ્રથમ વખત યોજાયેલા આ સ્નેહમિલન સમારોહમાં ગુજરાત રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી તથા જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી પુરુષોત્તમભાઈ ઓ. સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય અને અખિલ ભારતીય કોળી સમાજ-ગુજરાતના પ્રમુખ હીરાભાઈ સોલંકી સહિતના અગ્રણીઓએ હાજરી આપી સમાજના વિકાસ અને સંગઠનનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
આ સમારોહનું વિશેષ આકર્ષણ ગુજરાત રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીની ઉપસ્થિતિ રહી હતી. તેમની પુત્રી અને કોળી સેના ગીર સોમનાથ-જૂનાગઢ જિલ્લાનાં પ્રમુખ દીપાબેન બાંભણીયાના આમંત્રણને માન આપી તબિયત નાદુરસ્ત હોવા છતાં તેઓ ખાસ આ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સમાજના યુવાનો અને ઉપસ્થિત જનમેદનીને સંબોધિત કરતાં પોતાના જીવનના 35 વર્ષ જેટલા લાંબા સમાજસેવાના સફરની વાતો રજૂ કરી હતી.
આ સ્નેહમિલન સમારોહમાં મંત્રી પરસોત્તમ સોલંકીએ સમાજને સંબોધતા તેમણે સિંહની ઉપમા આપીને હુંકાર કર્યો હતો. તેમણે કહ્યું કે, આપણે સિંહના સંતાન છીએ, કોઈના બોલવાથી આપણને કોઈ ફરક પડતો નથી. સિંહ ફરતો હોય અને તેની આસપાસમાં શ્વાન ઘણા હોય પરંતુ સિંહ પોતાની મસ્તીમાં રહે છે. સિંહની એક ડણકથી બધા ભાગી જાય છે. પાછળ કોણ શું બોલે છે તેની પરવા કરવાની જરૂૂર નથી.
આ ઉપરાંત પરસોત્તમ સોલંકીએ નામ લીધા વગર કેટલાક કોળી આગેવાનોને પણ આડેહાથ લીધા હતા. તેમણે કહ્યું કે, કેટલાક કોળી આગેવાનો નુગરા છે. સત્તા પર આવ્યા બાદ ઘણા લોકો સમાજને ભૂલી જાય છે. સત્તા મળ્યા બાદ આવા લોકોને સૌથી પહેલાં પૈસા દેખાય છે. આવા લોકોને મત આપવા કરતાં મતદાન જ ન કરવું જોઈએ તેવું નિવેદન પણ તેમણે આપ્યું હતું. પરસોત્તમ સોલંકીએ પોતાના સંબોધનમાં કોળી સમાજમાં એકતા, ભાઈચારો અને સંગઠન મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. જોકે, નામ લીધા વગર કેટલાક સમાજના આગેવાનો પર કરવામાં આવેલા તેમના પ્રહારને લઈને હવે રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા શરૂૂ થઈ છે.
સોલંકીના આ નિવેદનનો ઈશારો આખરે કોના તરફ હતો તે સવાલ પણ સ્નેહમિલન સમારોહ બાદ ચર્ચાઈ રહ્યો છે. સ્નેહમિલન સમારોહમાં ચર્ચા એ શરૂૂ થઈ કે પરસોત્તમ સોલંકીનો ઈશારો કોના તરફ હતો.
મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, છેલ્લા આશરે 35 વર્ષથી સમાજની સેવા નિસ્વાર્થ ભાવે કરતો આવ્યો છું અને ભવિષ્યમાં પણ સમાજસેવાનું આ કાર્ય અવિરત ચાલુ રાખીશ. સમાજના આર્થિક ઉત્થાન, શિક્ષણના વિકાસ, સમૂહલગ્નોનું આયોજન તેમજ સામાજિક અને રાજકીય ક્ષેત્રે સમાજનું આગવું સ્થાન અને મહત્વ કાયમી જળવાઈ રહે તે માટે સતત પ્રયત્નશીલ રહેવું એ અમારો મુખ્ય ઉદ્દેશ છે.
આ પ્રસંગે રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય અને અખિલ ભારતીય કોળી સમાજ-ગુજરાતના પ્રમુખ હીરાભાઈ સોલંકીએ પણ ઉપસ્થિત સમાજજનોને સંબોધિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ વિસ્તાર સાથે અમારો વર્ષો જૂનો નાતો રહ્યો છે.
કોળી સેના ગીર સોમનાથ-જૂનાગઢ જિલ્લાનાં પ્રમુખ દીપાબેન એમ. બાંભણીયાએ સ્નેહમિલન સમારોહને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે, કોળી સમાજના ઇતિહાસમાં પ્રથમ વખત આ પ્રકારના સ્નેહમિલનનું આયોજન થયું છે, જે અમારા પરિવાર અને સમગ્ર સમાજ માટે ગૌરવ તથા આનંદની લાગણી સમાન છે. સમાજના લોકોનો ઉત્સાહ, પ્રેમ અને સહયોગ અમારા માટે આશીર્વાદ સમાન છે.
