શહેરના ગાયકવાડી વિસ્તારમાં નિવૃત્ત દંપતિના ઘરે કામ કરતા ઘરઘાટીએ જ કબાટમાંથી પેન્શનના રૂપિયા 40 હજારની રોકડ ચોરી લીધાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. છેલ્લા એક વર્ષથી કામ કરતો ઘરઘાટી કબાટમાં રોકડ હોવાની માહિતીથી વાકેફ હતો. કબાટમાંથી રોકડ ગાયબ થઈ જતાં નોકરને પુછતાં તેણે જ રૂપિયાની જરૂરીયાત હોવાથી ચોરી લીધાની કબુલાત આપી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, ગાયકવાડી શેરી નં.5માં રહેતાં મંજુલાબેન અનિરૂધ્ધભાઈ શુકલ (ઉ.83) નામના વૃધ્ધાએ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેનાં ઘરે કામ કરતો ઘરઘાટી જગદીશ ઉર્ફે જગો સુંદરજીભાઈ લુવાણાનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી તેનાં ઘરે છેલ્લા એક વર્ષથી કચરા-પોતા-કપડા સહિતનો કામ કરતો હતો અને તેમનું પેન્શન લેવા પણ આરોપી જ જતો હતો. ગત માર્ચ મહિનાની 1 થી 5 તારીખમાં તેમના પેન્શનના રૂપિયા કબાટમાં રાખેલા હતો. જે રૂપિયા લેવા માટે કબાટનું ખાનુ ખુલતું ન હોય જેથી ફરિયાદીએ દૂધવાળા ધર્મેશભાઈને ખાનુ ખોલવાનું કહેલું પરંતુ તેનાથી ખાનુ ન ખુલતાં ઘરે કામ કરવા આવતાં જગદીશને ખાનુ ખોલવાનું કહ્યું હતું. ત્યારે તેનાથી ખાનુ ખુલેલું નહીં બાદમાં ફરિયાદી ન્હાઈને બહાર આવતાં જગદીશે કહેલું કે કબાટનું ખાનુ ખુલી ગયું છે.
જો કે તે વખતે તેમણે કબાટમાં જોયું ન હતું. બાદમાં ગત તા.2-4ના સવારે પેન્શનના રૂપિયા આવ્યા હોય જે મુકવા માટે કબાટનું ખાનુ ખોલતાં તેમાં અગાઉ રાખેલા રૂપિયા 40 હજાર ગાયબ હોય જેથી આ બાબતે જગદીશને પુછતાં તેણે રૂપિયાની જરૂરત હોવાથી 40 હજાર કબાટમાંથી લઈ વાપરી નાખ્યા હોવાનું જણાવેલું અને આ રૂપિયા સગવડ થાશે ત્યારે પરત આપી દેશે. તેમ કહ્યું હતું. જો કે આજ સુધી આ રૂપિયા પરત ન આપતાં વૃધ્ધાએ પ્ર.નગર પોલીસ મથકમાં ઘર ઘાટી જગદીશ ઉર્ફે જગો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પીએસઆઈ ડી.એસ.ગજેરાએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
