જામસર ગામે બની દુર્ઘટના, પરિવારમાં શોક
વાંકાનેર તાલુકાના જામસર ગામે ગઈકાલે બપોરના સમયે કરુણ દુર્ઘટના બની હતી જેમાં જીવતો વીજ વાયર નીચે પડતા પશુઓ માટે રાખેલી નિરણમાં આગ લાગી હતી.આ આગ બુઝાવવા જતા પિતા વીજ વાયરને અડકી જતા કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.સાથે જ પિતાને બચાવવા ગયેલ પુત્રને પણ વીજ શોક લાગતા હાલ ખાનગી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો છે.
ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જામસર ગામે રહેતા વાઘજીભાઇ શિવાભાઈ દેલવાડિયા ઉ.57 અને તેમનો પુત્ર જયદેવભાઈ ઉ.24 પોતાની વાડીએ હતા ત્યારે ગઈકાલે બપોરના સમયે પીજીવીસીએલની જીવિત વીજલાઈન તૂટી પડતા પશુઓને ખવડાવવા માટે રાખેલી નિરણ સળગી ઉઠી હતી.
નિરણનો જથ્થો સળગતા જ વાઘજીભાઈ નિરણમાં લાગેલી આગ બુઝાવવા જતા તૂટેલા જીવિત વીજ વાયર ઉપર પગ આવતા વાઘજીભાઈનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. બીજી તરફ વાઘજીભાઈને વીજ શોક લાગતા તેમનો પુત્ર જયદેવભાઈ બચાવવા માટે જતા તેમને પણ વીજ શોક લાગતા હાલમાં રફાળેશ્વર ખાતે ખાનગી હોસ્પિટલમાં બેભાન હાલતમાં ખસેડવામાં આવ્યો છે. આમ પીજીવીસીએલની બેદરકારીએ ખેડૂતનો ભોગ લેવાની સાથે ઘરના આધારસ્તંભ એવા પુત્રના જીવન સામે પણ સવાલ ઉભા કરી દીધા છે.
