મેંદરડાના કેનેડીપુરમાં ગૌવંશના ટોળાએ શિકાર કરવા આવેલા સિંહને ભગાડ્યો

  જૂનાગઢ જિલ્લાના ગીર સોમનાથ અને આસપાસના સરહદી વિસ્તારોમાં સિંહો અવારનવાર શિકારની શોધમાં રેવન્યુ અને ગ્રામીણ વિસ્તારો તરફ આવી ચડતા હોય છે. ત્યારે મેંદરડાના કેનેડીપુર…

 

જૂનાગઢ જિલ્લાના ગીર સોમનાથ અને આસપાસના સરહદી વિસ્તારોમાં સિંહો અવારનવાર શિકારની શોધમાં રેવન્યુ અને ગ્રામીણ વિસ્તારો તરફ આવી ચડતા હોય છે. ત્યારે મેંદરડાના કેનેડીપુર ગામમાં રાત્રિના સમયે શિકારની શોધમાં એક સિંહ આવી ચડ્યો હતો. જોકે, જંગલના રાજા ગણાતા સિંહનો સામનો ગામમાં રહેલા ગૌવંશના ઝુંડ સાથે થઈ ગયો હતો. સામાન્ય રીતે સિંહને જોઈને અન્ય પ્રાણીઓ ભાગી છૂટતા હોય છે, પરંતુ આ કિસ્સામાં ગાયોના ઝુંડે અકલ્પનીય હિંમત દર્શાવી હતી.

સિંહ જેવો ગૌવંશના ઝુંડ તરફ આગળ વધ્યો કે તુરંત જ એક ગાયે ભારે ખુમારી અને હિંમત સાથે સામનો કર્યો હતો. ગાયે આક્રમક વલણ અપનાવીને સિંહને વળતો જવાબ આપતાં જંગલનો રાજાએ પણ પીછેહઠ કરવી પડી હતી. શિકાર કરવાની કોશિશ કરનાર સિંહ આખરે કોઈ પણ પશુનો શિકાર કર્યા વગર જ ત્યાંથી ચાલ્યો ગયો હતો. આ ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકો ગૌવંશની હિંમત અને તાકાતના ભારે વખાણ કરી રહ્યા છે. ગામડાઓમાં શિકાર માટે આવતા સિંહો અને અન્ય હિંસક વન્યપ્રાણીઓના કારણે ગ્રામજનોમાં પણ ભયનો માહોલ સર્જાતો હોય છે.

ગીર નજીકના સરહદી વિસ્તારોમાંથી વન્યજીવોના આવા વિડીયો અવારનવાર સામે આવતા હોય છે. જ વન વિભાગની ટીમ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે પહોંચી જાય છે અને સિંહો કે અન્ય હિંસક પ્રાણીઓને સલામત રીતે ગ્રામીણ વિસ્તારમાંથી દૂર જંગલના સલામત વિસ્તાર તરફ ખસેડવાની કામગીરી હાથ ધરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *