તાલાલા તાલુકાના માધુપુર અને હડમતીયા ગામમાં છ શંકાસ્પદ સાધુઓને ગ્રામજનોએ અટકાવ્યા હતા. આ સાધુઓ છોટા હાથી ગાડીમાં આશ્રમના બોર્ડ લગાડી અને માતાજીની મૂર્તિ રાખી ભિક્ષા વૃત્તિ કરી રહ્યા હતા. ગ્રામજનોને તેમની પ્રવૃત્તિ શંકાસ્પદ લાગતા તેમણે પોલીસને જાણ કરી આ સાધુઓ બંધ મકાનોમાં પણ ભિક્ષા માંગવા ઘૂસી જતા હતા. ગ્રામજનોએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે પણ તેઓ માન્યા ન હતા. તેમની આ વર્તણૂકને કારણે ગ્રામજનોની શંકા વધુ દ્રઢ બની હતી, જેથી તેમણે 112 નંબર પર પોલીસને બોલાવી હતી.
હડમતીયા ગામમાં ગ્રામ પંચાયત ઓફિસે પોલીસના એએસઆઇ વાદીભાઈ પહોંચ્યા હતા. તેમણે સામાજિક કાર્યકર વિજય હીરપરા અને ગ્રામજનોની રજૂઆતો સાંભળી હતી. પોલીસ દ્વારા સાધુઓની પૂછપરછ કરવામાં આવી હતી.
પૂછપરછ દરમિયાન, કેટલાક સાધુઓ પાસે ગુજરાતી અને હિન્દી એમ બબ્બે આધાર કાર્ડ મળી આવ્યા હતા. તેઓ જે આશ્રમના નામે રથ લઈને ફરતા હતા, તે આશ્રમ વિશે પૂછતા તેઓ ગોળ ગોળ જવાબ આપતા હતા, જેનાથી પોલીસની શંકા વધુ ઘેરી બની હતી.સામાજિક કાર્યકર વિજય હીરપરાએ દ્વારકામાં તપાસ કરાવતા જાણવા મળ્યું કે સાધુઓ જે આશ્રમનું નામ આપી રહ્યા હતા, તેવો કોઈ આશ્રમ ત્યાં અસ્તિત્વમાં નથી. આથી, પોલીસે તમામ સાધુઓને તેમના રથ સાથે તાલાલા પોલીસ સ્ટેશન લઈ જઈ વધુ તપાસ શરૂૂ કરી છે.
પોલીસ હવે તમામ ઈસમોની ઓળખ મેળવી રહી છે અને તેમના નામે ભૂતકાળમાં કોઈ ગુના નોંધાયા છે કે કેમ તેની તપાસ કરી રહી છે. તેમની વર્તમાન પ્રવૃત્તિઓ દેખાય છે તેનાથી અલગ છે કે કેમ તે અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. ગ્રામ્ય વિસ્તારમાં શંકાસ્પદ સાધુઓની અટકાયત થતા મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને ગ્રામજનોની સાવચેતીભરી કાર્યવાહીની પ્રશંસા કરી હતી.
