અમેરિકામાં બનશે સાળંગપુર જેવું ભવ્ય મંદિર, 108 ફૂટની પ્રતિમા મૂકાશે

કેન્સાસમાં 40 વિઘા જમીનમાં 1 લાખ લોકોની ક્ષમતાવાળી ભોજન શાળા, 1300 રૂમની હોટલનું પણ નિર્માણ સાળંગપુરની માફક જ પુજા-આરતી અને ધાર્મિક અનુષ્ઠાનો યોજાશે. હરિપ્રકાશ સ્વામીએ…

કેન્સાસમાં 40 વિઘા જમીનમાં 1 લાખ લોકોની ક્ષમતાવાળી ભોજન શાળા, 1300 રૂમની હોટલનું પણ નિર્માણ

સાળંગપુરની માફક જ પુજા-આરતી અને ધાર્મિક અનુષ્ઠાનો યોજાશે. હરિપ્રકાશ સ્વામીએ ડિઝાઇનને આપી મંજુરી

ગુજરાતના સુપ્રસિદ્ધ તીર્થધામ સાળંગપુરના ભક્તો માટે અમેરિકાથી એક અત્યંત આનંદદાયક સમાચાર સામે આવ્યા છે. હવે અમેરિકામાં વસતા ગુજરાતીઓ અને હનુમાન ભક્તોએ કષ્ટભંજન દેવના દર્શન માટે ભારત આવવાની જરૂૂર નહીં પડે. યુએસએના કેન્સાસ સિટીમાં સાળંગપુર મંદિરની શૈલીમાં એક ભવ્ય શ્રી કષ્ટભંજન દેવ મંદિરનું નિર્માણ કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, આ મંદિર કેન્સાસમાં 40 વીઘા જેટલી વિશાળ જમીન પર બનાવવામાં આવશે. મંદિરના નિર્માણ કાર્યની શરૂૂઆત પહેલાં, ત્યાં કિંગ ઓફ સાળંગપુર એટલે કે હનુમાનજીની 108 ફૂટ ઊંચી પંચધાતુની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. હાલમાં જ કેન્સાસમાં આયોજિત પ્રથમ શ્રી કષ્ટભંજન દેવ ચરિત્ર કથા દરમિયાન આ ભવ્ય મંદિરના નિર્માણની જાહેરાત કરવામાં આવી હતી, જેને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં દાન પણ એકત્રિત થઈ રહ્યું છે.

મંદિરના નિર્માણ માટે ખાસ ભારતીય કારીગરોને અમેરિકા લઈ જવામાં આવશે, જેથી સાળંગપુરના મૂળ મંદિર જેવી જ સુંદરતા અને કોતરણી ત્યાં જોઈ શકાય છે. અહીં સાળંગપુરની જેમ જ તમામ પ્રકારની આરતી, પૂજા-પાઠ અને ધાર્મિક અનુષ્ઠાનો યોજાશે. મંદિર સંકુલમાં 1 લાખ લોકોને પ્રસાદ પીરસવાની ક્ષમતા ધરાવતી વિશાળ ભોજનશાળા બનાવવામાં આવશે. આ ઉપરાંત, ભક્તો માટે 1,300 રૂૂમની હોટલ અને સાળંગપુરના ’વ્હાઈટ હાઉસ’ જેવી સુવિધાઓ વિકસાવવાનું આયોજન છે.

શ્રી કષ્ટભંજન દેવ મંદિરના ચેરમેન હરિપ્રકાશ સ્વામીજીએ પોતે કેન્સાસની મુલાકાત લીધી હતી અને સ્થળ તેમજ મંદિરની ડિઝાઇનને મંજૂરી આપી છે. આયોજકોના જણાવ્યા અનુસાર, વર્ષ 2029 સુધીમાં આ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ કરી લેવામાં આવશે. ગુજરાતી સમાજના પ્રમુખ દેવ ભરવાડે જણાવ્યું હતું કે, આ મંદિર અમેરિકામાં વસતા આશરે 22 લાખ ગુજરાતીઓ માટે એક મુખ્ય ધાર્મિક અને આસ્થાનું કેન્દ્ર બની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *