ન્યારી ડેમે જન્મદિવસની ઉજવણી કરી પરત ફરતી યુવતીની મધરાત્રે છેડતી, ટપારવા જતાં ડિસમિસના ઘા ઝીંકતા બેભાન થઈ ગઈ !

સ્કુટર લઈને નીકળેલી યુવતીને લફંગાએ સિટી મારી, વિરોધ કરતાં કપડા ખેંચી નિર્લજજ હુમલો કરી દીધો, યુવતીના મિત્રોએ પોલીસને બોલાવતા નાસી છૂટ્યો, પોલીસ માટે પડકારજનક ઘટના…

સ્કુટર લઈને નીકળેલી યુવતીને લફંગાએ સિટી મારી, વિરોધ કરતાં કપડા ખેંચી નિર્લજજ હુમલો કરી દીધો, યુવતીના મિત્રોએ પોલીસને બોલાવતા નાસી છૂટ્યો, પોલીસ માટે પડકારજનક ઘટના

રાજકોટ શહેરમાં અવાવરું જગ્યાઓ પર લુખ્ખા તત્વો તેમજ નસેડીઓનો ત્રાસ વધતો જાય છે ત્યારે પોલીસ દ્વારા કરવામાં આવતા રાત્રે પેટ્રોલિંગ પર સવાલો ઊભા થઈ રહ્યા છે.ત્યારે કાલાવડ રોડ પર ન્યારી ડેમ નજીક એક 20 વર્ષીય યુવતીની પજવણી કરી અજાણ્યા શખ્સે ડિસમિસથી નિર્લજ્જ હુમલો કરતાં તાલુકા પોલીસ મથકમાં છેડતી અંગેનો ગુનો નોંધાયો હતો.આ ઘટનામાં પોલીસે આરોપીને શોધી કાઢવા સીસીટીવી ફુટેઝના આધારે તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર,ન્યારી ડેમ પર મિત્રો સાથે જન્મ દિવસની ઉજવણી કરી પરત ફરી રહેલી 20 વર્ષીય યુવતીને સીટી મારી બેફામ ગાળો આપી, જાહેરમાં કપડા પણ ખેંચી તેમના મિત્રો સાથે મારામારી કરી હતી.આ બનાવ અંગે રાજકોટમાં રહેતી યુવતીએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અજાણ્યા શખ્સનું નામ આપતાં તાલુકા પોલીસે બીએનએસ એકટ 74,75(1),(4) સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ફરિયાદીએ પોલીસને જણાવ્યા મુજબ,ગઈકાલે તેનો જન્મ દિવસ હતો જેથી તેઓએ મિત્રો સાથે જન્મદિવસ ઉજવવાનું નકકી કર્યું હતું અને તેણી તેમના ત્રણ મિત્રો સાથે બે એક્ટિવામાં ડબલ સવારીમાં ન્યારી ડેમ પર ફોટો શૂટ કરવા અને જન્મ દિવસની ઉજવણી કરવાં કેક માટે ગયાં હતાં.ત્યાં કેક કટિંગ કરી અમે ફોટો શૂટ કર્યું હતું.બાદમાં રાત્રે તેઓ ચારેય મિત્રો બે એક્ટિવામાં બેસી ઘરે જવા માટે પરત ફરી રહ્યાં હતાં ત્યારે તેઓ કાલાવડ રોડ પર ડેકોરા રોડ પાસે પહોંચતા ત્યાં આવેલ એક ગેરેજ પાસે ઉભેલા અજાણ્યાં શખ્સે સીટી મારી હતી.

જેથી યુવતી સાથે રહેલ યુવક અજાણ્યાં શખ્સ પાસે જઈ કેમ સીટી મારી તે બાબતે પૂછવા જતા તે શખ્સે તેણીને બીભત્સ ભાષામાં શબ્દો કહી બોલાવી હતી.જેથી ચારેય મિત્રોએ તેમને આવી ખરાબ ભાષામાં વાત ન કરવાનું કહેતાં તે બેફામ ગાળો બોલવા લાગ્યો હતો અને મારી છરી ક્યાં છે? તેમ કહીં નજીકમાં આવેલ ગેરેજમાંથી ડિસમિસ લઈ આવી માર મારવા લાગ્યો હતો અને તેની પર નિર્લજ્જ હુમલો કર્યો હતો.તેમજ મિત્રોની હાજરીમાં જ તેણીએ પહેરેલ કપડા પણ ખેંચ્યા હતાં.જેથી તે યુવતી ત્યાં જ બેભાન જેવી થઈ ગઈ હતી.

આ સમય દરમિયાન સાથે રહેલ તેણીના અન્ય મિત્રોએ પોલીસને 100 નમ્બરમાં જાણ કરતાં પોલીસ આવે તે પહેલાં જ આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો.ત્યારબાદ યુવતીએ પરિવારને જાણ કર્યા બાદ મિત્રો સાથે તાલુકા પોલીસ મથકે પહોંચી ફરિયાદ છેડતી અને મારામારી અંગેની ફરિયાદ નોંધાવી હતી.હાલ આ અંગે પીઆઈ હરિપરાની રાહબરીમાં પીએસઆઇ કારેણાં અને સ્ટાફે ડેકોરા રોડ પરના સીસીટીવી ફુટેઝના આધારે તપાસ શરૂૂ કરી આરોપીની શોધખોળ શરૂૂ કરી છે.

નિર્જન સ્થળો પર પોલીસનું પેટ્રોલિંગ જરૂરી
રાજકોટ શહેરમાં ગઈકાલે રાત્રીના સમયે જન્મદિવસની ઉજવણી કરી મિત્રો સાથે પરત ફરેલી યુવતી પર અજાણ્યા શખ્સે નિર્લજ હુમલો કરી ડિસમીસના ઘા ઝીંકી દીધા હતાં. ત્યારબાદ યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ ઘટનામાં કાલાવડ રોડ પર આવેલા નિર્જન સ્થળો જેવા કે અવધ બંગલો, ન્યારી ડેમ, ન્યારી ડેમથી ડેકોરા તરફ જવાના રસ્તે જ્યાં કોઈ વ્યક્તિની રાત્રે કે બપોરના સમયે અવરજવર હોતી નથી ત્યાં પોલીસ દ્વારા પેટ્રોલીંગ કરવું જરૂરી બન્યું છે. આવા નિર્જન સ્થળો પર મોટાભાગે ગંજેરી અને નસેળીઓ આંટાફેરા કરતાં હોય છે ત્યારે પોલીસે પેટ્રોલીંગ કરીને આવા નશાખોર અને આવારા તત્વોને પકડી કડક કાર્યવાહી કરવી જોઈએ.

આરોપીને પકડવા પોલીસે ત્રણ ટીમો બનાવી
રાજકોટ શહેરના ન્યારી ડેમ નજીક મિત્રો સાથે પરત ફરી રહેલી યુવતીની છેડતી અને તેની પર હુમલો કરવાના ગુનામાં તાલુકા પોલીસ મથકના પીઆઈ ડી.એમ.હરિપરાની રાહબરીમાં પીએસઆઈ કારેણા તપાસ ચલાવી રહ્યાં છે. આ ઘટનામાં પોલીસ દ્વારા જાણવા મળ્યું હતું કે, આ ગુનાનો ભેદ ઉકેલવા માટે ત્રણ ટીમો બનાવવામાં આવી છે અને કાલાવડ રોડ, ડેકોરા માર્ગ સહિતના સીસીટીવી ફુટેજ તપાસી આરોપીની ઓળખ મેળવી તેને સકંજામાં લેવા તજવીજ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *