બાળકીના મોતથી શ્રમિક પરિવારમાં શોક
જેતપુરમાં ફરીવાર માતાપિતા માટેનો એક લાલ બત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં એક દોઢ વર્ષની માસુમ બાળકીનું પાણીની કૂંડીમાં પડી જવાથી મોત થતાં શ્રમિક પરિવારમાં સન્નાટો છવાયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, જેતપુર તાલુકાના જેતલસર ગામે મંડલીકપુર રોડ પર આવેલી ‘સિગનોલ પોલી કેપ’ નામની પ્લાસ્ટિકની ફેક્ટરીમાં આ દુર્ઘટના બની હતી. આ કારખાનામાં મૂળ પરપ્રાંતિય શ્રમિક દંપતી મજૂરી કામ કરે છે. બનાવ સમયે મજૂર દંપતી પોતાના કામમાં વ્યસ્ત હોવાથી તેમની દોઢ વર્ષની દીકરી અનન્યા પિન્ટુભાઈ રાજપૂત કારખાનાના વિસ્તારમાં રમી રહી હતી. રમતાં-રમતાં બાળકી અચાનક ત્યાં આવેલી પાણીની કુંડી પાસે પહોંચી ગઈ હતી અને આકસ્મિક રીતે તેમાં પડી ગઈ હતી.
થોડીવાર બાદ બાળકી કુંડીમાં પડી હોવાની જાણ થતાં પરિવારજનો દોડી આવ્યા હતા. તેને તાત્કાલિક બહાર કાઢીને સારવાર અર્થે જેતપુરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. જોકે, ત્યાં ફરજ પરના તબીબે બાળકીને તપાસીને મૃત જાહેર કરી હતી. વહાલસોયી દીકરીના અકાળે મૃત્યુને કારણે શ્રમિક પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.આ બનાવની જાણ થતાં જ જેતપુર તાલુકા પોલીસ કાફલો તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે બાળકીના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
