રાજકોટના કોન્ટ્રાક્ટરની 2 લાખની કાર તેના મિત્રએ 50 હજારમાં ગીરવે મૂકી છેતરપિંડી કરતા આ મામલે શાપર વેરાવળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. મિત્રએ પત્નીની ડિલિવરીનું ખોટું બહાનું આગળ ધરી કોન્ટ્રાક્ટર પાસેથી સ્વિફ્ટ કાર મેળવી, તે કારને અન્ય વ્યક્તિ પાસે ગીરવે મૂકી દીધી હતી.
મળતી માહિતી મુજબ, રાજકોટ આજીડેમ ચોકડી પાસે રહેતા ક્ધસ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા ફરિયાદી સનીભાઇ રામભાઇ વશરાએ તેના મિત્ર મૂળ જેતપુરના રેશમડી ગાલોલના અને હાલ લોધીકાના પારડી ગામે રહેતા આરોપી સુજલ ઉર્ફે ઉદય રમેશભાઇ વેગડા સામે ફરિયાદ નોંધાવી હટતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તારીખ 23 મે 2026ના રોજ સુજલે તેના મિત્ર સાગર ભરતભાઇ વડેચાનો સંપર્ક સાધી જણાવ્યું હતું કે તેની પત્નીની ડિલિવરી હોવાથી તાત્કાલિક જેતપુર દવાખાને જવું પડે તેમ છે. મિત્રની મુશ્કેલી સમજીને સાગરે તેના અન્ય મિત્ર અને સની વશરા ની મારૂૂતિ સુઝુકી કંપનીની કાળા કલરની સ્વિફ્ટ કાર નં. જીજે-03-એનએફ-0096 સુજલને વાપરવા માટે અપાવી હતી.
કાર મેળવ્યા બાદ આરોપી સુજલે માનવતા અને મિત્રતાના સંબંધોને નેવે મૂકી, કિંમતી સ્વિફ્ટ કાર જેતલસરના કેવલ બગડા નામના વ્યક્તિ પાસે રૂૂપિયા 2,50,000માં ગીરવે મૂકી દીધી હતી. થોડા દિવસો બાદ સમગ્ર મામલો સામે આવતા ફરિયાદી સનીભાઇ, સાગર તથા અન્ય મિત્રો જેતલસર તપાસ કરવા પહોંચ્યા હતા, જ્યાં કેવલ બગડાએ આ ગાડી સુજલે ગીરવે મૂકી હોવાની પુષ્ટિ કરી અઢી લાખ રૂૂપિયાની માંગણી કરી હતી. ત્યારબાદ આ ગાડી પોલીસે ડિટેઇન કરી હોવાની પણ વિગતો સામે આવી હતી.
13 જૂન 2026ના રોજ જેતપુર સરદાર ચોક પાસે આરોપી સુજલ ઉર્ફે ઉદય દેખાતા ફરિયાદીએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપી ’તમારી ગાડી મેં ગીરવે મૂકી દીધી છે’ તેમ કહીને સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. આખરે આ મામલે છેતરાયેલા સનીભાઇ રામભાઇ વશરાએ શાપર વેરાવળ પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાવી છે. શાપર વેરાવળ પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
