રાજકોટ શહેરમાં સાયબર ગઠિયાઓએ ટેકનોલોજીનો દુરુપયોગ કરી એક ગૃહિણીના બેંક ખાતામાંથી લાખો રૂૂપિયા સેરવી લીધા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના આહીર ચોક પાસે લાલપાર્ક સોસાયટીમાં રહેતા 40 વર્ષીય જીગનાબેન હિરેનભાઈ ઉમરાણીયાનો મોબાઇલ ફોન હેક કરી, અજાણ્યા શખ્સોએ ફોન-પે મારફતે તેમના સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ખાતામાંથી કુલ રૂૂ. 2,36,000/- ટ્રાન્સફર કરી છેતરપિંડી આચરી છે.
ફરિયાદી જીગનાબેનના જણાવ્યા અનુસાર, ગત તા. 24/10/2026 થી 27/10/2026 દરમિયાન તેમના મોબાઇલમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. ફોન વારંવાર હેક થઈ જતો હતો અને આપમેળે ચાલુ-બંધ થઈ અપડેટ થતો હતો.
તા. 27 ઓક્ટોબરના રોજ જ્યારે તેઓ સહકાર મેઇન રોડ પર ખરીદી કરવા ગયા હતા, ત્યારે ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે ખાતામાં માત્ર રૂૂ. 300/- બેલેન્સ બતાવતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. જીગનાબેને તુરંત વાણીયાવાડી સ્થિત SBI બ્રાંચમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, તેમના ખાતામાંથી તા. 24 થી 26 ઓક્ટોબર દરમિયાન તેમની જાણ બહાર UPI મારફતે અલગ-અલગ 10 ટ્રાન્ઝેક્શન દ્વારા કટકે-કટકે કુલ રૂૂ. 2.36 લાખ અન્ય બેંક ખાતાઓમાં ટ્રાન્સફર થઈ ગયા છે.આ મામલે જીગનાબેને પ્રથમ સાયબર ક્રાઈમ હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ ગત તા. 17/11/2026 ના રોજ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવતા પોલીસે બી.એન.એસ.ની કલમ 61(2) અને 318(4) મુજબ ગુનો દાખલ કર્યો છે. આ અંગે પી.એસ.આઈ. જયકુમાર બળવંતભાઈ રાણીંગાએ વધુ તપાસ હાથ ધરી છે.
