રાજકોટ શહેરના સતત ટ્રાફિકથી ધમધમતા રાજમાર્ગો અને સર્કલો ઉપર પગપાળા જતાં લોકો માટે ફૂટબ્રીજ બનાવવાનો નિર્ણય લઈ ગઈકાલે બીગબઝાર સર્કલ અને અમિન માર્ગ રોડ કોર્નર પર બ્રિજ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે અને હવે શહેરના મુખ્યનાકા ગોંડલ ચોકડી ઉપર ફૂટ ઓવરબ્રીજ બનાવવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રૂા. 5 કરોડના ખર્ચે સાંઢિયાપુલ પુરો થાય તે સ્થળે ફૂટ ઓવરબ્રીજ બનાવવામાં આવશે.
મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં. 13માં ગોંડલ રોડ ઉપર સાંઢિયાપુલ પુરો થાય છે ત્યાં ગોંડલ ચોકડી પર પાંચ કરોડના ખર્ચે ફૂટ ઓવરબ્રીજ બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ અંગે જાણવા મળેલ વિગત મુજબ ગોંડલ ચોકડી ખાતે દરરોજ સૌરાષ્ટ્રમાંથી અને ગુજરાતમાંથી હજારો પ્રવાસીઓ ચોકડી ઉપર ટ્રાવેલીંગ કરી ઉતરતા હોય છે. આ સ્થળ હવે ટ્રાવેલ્સ અને એસટી સહિતના વાહનો માટે પીકઅપ પોઈન્ટ થઈ ગયેલ હોય વહેલી સવારથી મોડી રાત્રી સુધી સતત પૈસેન્જરોની અવર જવર રહેતી હોય છે. બન્ને સાઈડ બસમાંથી ઉતર્યા બાદ મુસાફરોએ રોડ ક્રોસ કરવો પડે છે. જેના લીધે સતત ટ્રાફિક હોવાથી અવાર નવાર અકસ્માતોના બનાવો બની રહ્યા છે. જેના નિવારણ માટે સર્વે કર્યા બાદ કોર્પોેરેશને આ સ્થળે ફૂટ ઓવરબ્રીજની જરૂરિયાત લાગતા હવે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. શહેરના વેસ્ટ અને ઈસ્ટઝોન માંથી અમદાવાદ તરફ તેમજ ગોંડલ તરફ જતાં મુસાફરોનો આ ચોકડી ઉપર ભારે ધારો રહે છે. જેથી રોડ ક્રોસીંગ કરવા માટે ફૂટ ઓવરબ્રીજ તૈરાય કરવામાં આવશે.
મનપાના બાંધકામ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ બીગબઝાર સર્કલ તેમજ 150 ફૂટ રીંગ રોડના અમિન માર્ગ કોર્નર ઉપર બે ફૂટ ઓવરબ્રીજ બનાવવાની કામગીરી શરૂ થઈ ચુકી છે અને હવે ગોંડલ ચોકડીએ બ્રીજ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે. તેવી જ રીતે 48 રાજમાર્ગો પૈકી વધુમાં વધુ પગપાળા લોકોની અવર જવર હોય તેવા માર્ગો તેમજ ત્રિકોણબાગ સર્કલ સહિતના અમુક સતત ટ્રાફિકથી ધમધમતા સર્કલો ઉપર પણ ભવિષ્યમાં ફૂટ ઓવરબ્રીજ બનાવવામાં આવે તે તરફ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ત્રણ ફૂટ ઓવરબ્રીજની ટેન્ડર સહિતની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગામી દિવસોમાં વધુ રાજમાર્ગો તેમજ સર્કલો ઉપર ફૂટ ઓવરબ્રીજ બનાવવા માટે ટેન્ડર સહિતની કામગીરી શરૂ કરાશે.
