રાજકોટ મહાનગરપાલિકામાં જ્યાં જ્યાં ભ્રષ્ટ વહીવટની શક્યતાઓ રહેલી છે, ત્યાં ’નોટિસ’ આપવાના નાટક દ્વારા એક વ્યવસ્થિત મોડેસ ઓપરેન્ડી ચાલતી હોવાનુ આમતો જગજાહેર છે. ટાઉન પ્લાનિંગ શાખામાં તો નોટિસના આ નાટકથી લાખો રૂૂપિયાની ટેબલ નીચેની પ્રેક્ટિસ થતી હોવાનું ખુલ્લુ પડેલુ જ છે. પરંતુ હવે મનપા દ્વારા કરોડો રૂૂપિયાના વિકાસ કામો માટે જે ખાનગી એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, તેમની સાથે પણ અધિકારીઓનું નોટિસોના નામે વ્યવસ્થિત શેટિંગ ચાલતું હોવાની ચોંકાવનારી બાબત આજે યોજાયેલી જનરલ બોર્ડની ભરી સભામાં ખુલ્લી પડી હતી.
જનરલ બોર્ડની પ્રશ્નોતરીમાં સૌપ્રથમ સવાલ ભાજપના નગરસેવક રક્ષિત કલોલાએ ડામર રોડ અને પાણીની પાઇપલાઇનના કોન્ટ્રાક્ટ બાબતે પુછીને વિગતો માગી હતી. એ દરમિયાન એવુ સામે આવ્યુ હતુ કે, શહેરમાં ડામર રોડનું કામ કરતી ’ક્લાસિક’ નામની એજન્સીને એક, બે કે ત્રણ નહીં પરંતુ 11-11 નોટિસો ફટકારવામાં આવી હોવા છતાં, સંબંધિત અધિકારીઓ દ્વારા તેની સામે એક ફદિયાની પણ પેનલ્ટી વસૂલવામાં આવી નથી!
આવું જ બીજું ઉદાહરણ પાણીની પાઇપલાઇન નાખવાનો કરોડો રૂૂપિયાનો કોન્ટ્રાક્ટ ધરાવતી ’હાઇબોન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર’ નામની એજન્સીનું સામે આવ્યું છે. આ એજન્સીને પણ મનપા તંત્ર દ્વારા 8-8 નોટિસો આપવામાં આવી હોવા છતાં, તેની સામે પેનલ્ટી વસૂલવા કે અન્ય કોઇ આકરાં પગલાં લેવામાં આવ્યા નથી. મહાનગરપાલિકાના સંબંધિત અધિકારીઓ આ એજન્સીઓ પ્રત્યે શંકાસ્પદ અને ’વ્હાલસોયી’ ઓથ રાખતા હોવાનું સભામાં સ્પષ્ટપણે ઉઘાડું પડ્યું હતું.
કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની આ મિલિભગત સામે વિપક્ષ નહીં પરંતુ ખુદ શાસક પક્ષ ભાજપના જ નગરસેવક રક્ષિત કલોલાએ મોરચો માંડ્યો હતો. જનરલ બોર્ડની પ્રશ્નોત્તરીમાં તેમણે પૂછેલા ધારદાર સવાલોના ચક્રવ્યૂહમાં સિટી ઇજનેર સહિતના ઉચ્ચ અધિકારીઓ બરોબરના ભીડાઈ ગયા હતા. વારંવાર નોટિસો આપવા છતાં દંડકીય કે આકરી કાર્યવાહી કેમ ન કરવામાં આવી? તેવા સવાલો સામે અધિકારીઓ જવાબ આપવામાં ગેગેંફેંફેં થઈ ગયા હતા અને કોઈ સંતોષકારક ઉત્તર આપી શક્યા નહોતા.
રક્ષિત કલોલા ઉપરાંત શાસક પક્ષના અન્ય નગરસેવકો મનિષ ભટ્ટ અને અશ્વિનભાઈ ભોરણિયા સહિતના સભ્યો પણ આ જ મુદ્દે અધિકારીઓ અને વહીવટી શાખા પર આક્રમક રીતે તૂટી પડ્યા હતા. નગરસેવકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કાગળ પર નોટિસો આપીને માત્ર સંતોષ માની લેવાય છે અને આડકતરી રીતે કમજોર કામગીરી કરતા કોન્ટ્રાક્ટરોને છાવરવામાં આવે છે. શહેરમાં નબળા રોડ-રસ્તા અને પાઇપલાઇનની ધીમી કામગીરીથી પ્રજા હેરાન થાય છે, જ્યારે બીજી તરફ મનપાના અધિકારીઓ નોટિસના નાટકો કરીને ટેબલ નીચેના વ્યવહારો સાચવવામાં મશગૂલ હોવાનો ઘાટ સર્જાયો છે. આ ઘટના બાદ હવે મનપા કમિશનર કેવા પગલાં લે છે તે જોવાનું રહ્યુ.
બ્લેકલિસ્ટેડ એજન્સીઓને પાછલા બારણે કામ અપાતુ હોવાનો આક્ષેપ
જે કિસ્સામાં કોન્ટ્રાક્ટર એજન્સી સામે બ્લેકલિસ્ટના પગલાં લેવામા આવે છે ત્યા પણ ટેબલ નીચેનો વહીવટ થઇ જાય છે તેવા મતલબના આક્ષેપ પણ ભરી સભામાં થયા હતા. ભાજપના નગરસેવક રક્ષિત કલોલાએ તો ત્યા સુધી આક્ષેપ કર્યો હતો કે, બ્લેકલિસ્ટેડ કંપનીઓ માટે ચોક્કસ છટકબારી રાખીને પાછળા બારણે તેને કામ આપવામા આવે છે. કાગળ પર કંઇક અલગ હોય છે અને જમીન પરના કામ કંઇક અલગ હોય છે. કઇ એજન્સીને કેટલા સમય માટે બ્લેકલિસ્ટ કરવામા આવી છે તેનો જવાબ પણ નગરસેવક રક્ષિત કલોલાએ લેખિતમાં માગ્યો છે.
ખુલ્લો આક્ષેપ : અધિકારીઓ પોતાનો મુખવટો બચાવવા નોટિસ આપવાની ચાલાકી અજમાવે છે
જો તપાસ થાય તો ઓનપેપર પોતાનો મુખવટો ઉતરી ન જાય એ માટે અધિકારીઓ કાગળ પરની કાર્યવાહી દેખાડે છે. જે રીતે ગેરકાયદે બાંધકામમાં એટીપી 260(1) અને 260(2)ની નોટિસનું નાટક ભજવે છે તેવી જ રીતે કોન્ટ્રાક્ટથી અપાતા કામમાં પણ એજન્સીઓ સાથે ટેબલ નીચેનો વહીવટ અગાઉથી નક્કી થયેલો હોય એટલે તેને છાવરવા માટે એજન્સી ક્લચમાં આવે એટલે તેને માત્ર નોટિસ જ આપવામા આવે છે. આવો ખલ્લો આક્ષેપ ભાજપના નગરસેવકોએ ભરી સભામાં કર્યો હતો.
ચોક્કસ સમયગાળાના પ્રોગેસ રિપોર્ટ વગર ચાલતા કરોડોના કામ
ડામર રોડ અને પાણીની પાઇપલાઇનના કરોડો રૂૂપિયાના કોન્ટ્રાક્ટમાં ચાલતા કામનો ભંભાખાના જેવો વહીવટ સામે આવ્યો હતો. ટેન્ડરમાં તો કામ પુરુ કરવાની અવધી હોય જ છે. પણ આ અવધિ સુધી કામ પુરુ કઇ રીતે થશે તે નક્કી કરતો કોઇ પ્રોગેસ ચાર્ટ અધિકારીઓ પાસે હોતો નથી. પરિણામે થાય છે એવુ કે, કોન્ટ્રાકટર મનફાવે ત્યારે કામ શરૂૂ કરે અને મનફાવે તે રીતે ધકેલપંચા દોઢસોની જેમ કામ ચલાવ્યા રાખે. પછી મુદત નજીક આવે એટલે લોટ-પાણી અને લાકડા કરીને કામ પુરુ કરી નાખવામા આવે છે એવો આક્રોષ ભાજપના નગરસેવક રક્ષિત કલોલાએ જાહેરમાં વ્યક્ત કર્યો હતો.
‘ખોટા છે આ બધાઇ.. આ લોકોના જવાબ કોઇને ગળે ઉતરે તેવા નથી’, નગરસેવક મનિષ ભટ્ટનો પિતો ગયો
કરોડો રૂૂપિયાના કામ જેમના હવાલે છોડી દેવામા આવે છે તેવી કોન્ટ્રાક્ટ એજન્સીઓ સાથે અધિકારીઓની સાંઠગાંઠને લઇને જાહેરમાં ભાજપના નગરસેવકોએ કરેલા આક્ષેપો અને સવાલોની સટાસટી વચ્ચે કોર્પોરેટર મનિષ ભટ્ટ પણ અધિકારીઓ ઉપર ઉકળી ઉઠ્યા હતા. સિટી ઇજનેરે એવો જવાબ આપ્યો હતો કે, ટેન્ડરની શરત મુજબ જે સમય મર્યાદા આપવામા આવી હોય ત્યા સુધીમાં પેનલ્ટી કે બ્લેકલિસ્ટ જેવા કોઇ પગલાં અમે લઇ શકતા નથી. આ જવાબ સાંભળીને કોર્પોરેટર મનિષ ભટ્ટ ઉકળી ઉઠ્યા હતા. તેમણે વળતા જવાબમાં આક્રમક રૂૂખ સાથે કહ્યુ હતુ કે, ખોટા છે આ બધાઇ.. આ લોકોના જવાબ કોઇને ગળે ઉતરે તેવા નથી!
બોલીવુડ સિંગર શાનના કંઠે રાજકોટની સ્વચ્છતા જાગૃતિ માટે ગવાયેલું ગીત સભામાં લોન્ચ કરાયુ
ખાસ નવરાત્રિ માટે તૈયાર કરાયેલું ગીત છેક સાતમા નોરતે લોન્ચ
રાજકોટને દેશનું સર્વશ્રેષ્ઠ સ્વચ્છ શહેર બનાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સતત વિવિધ પ્રયાસો અને અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે. આ જનજાગૃતિ અભિયાનના ભાગરૂૂપે મનપા દ્વારા બોલીવુડના ખ્યાતનામ પ્લેબેક સિંગર શાન પાસે એક વિશેષ સ્વચ્છતા ગીત તૈયાર કરાવવામાં આવ્યું છે.
મનપાનું મૂળ આયોજન આ આકર્ષક ગીતને નવરાત્રિના અર્વાચીન રાસોત્સવ અને ગરબા મહોત્સવ દરમિયાન વગાડીને જન-જન સુધી પહોંચાડવાનું હતું, જેથી યુવાનો અને નાગરિકોમાં સ્વચ્છતા અંગે વિશેષ સંદેશ જઈ શકે. પરંતુ આયોજનમાં વિલંબ થવાને કારણે નવરાત્રિના સાત નોરતા પૂરા થઈ ગયા છે અને છેક આજે મળેલા મનપાના જનરલ બોર્ડમાં આ ગીતનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
આજે મળેલી જનરલ બોર્ડની બેઠક દરમિયાનશાન દ્વારા ગવાયેલું આ ત્રણ મિનિટનું ગીત સત્તાવાર રીતે વગાડવામાં આવ્યું હતું. ઉપસ્થિત પદાધિકારીઓ અને અધિકારીઓએ આ ગીતને નિહાળ્યું હતું. મનપાના આ સુંદર પ્રયાસથી રાજકોટના નાગરિકોમાં સ્વચ્છતા અંગે વધુ સભાનતા આવશે અને આગામી દિવસોમાં આ ગીત સોશિયલ મીડિયા તેમજ વિવિધ માધ્યમો દ્વારા શહેરીજનો સુધી વ્યાપક પ્રમાણમાં પહોંચાડવામાં આવશે, જેથી ’સ્વચ્છ રાજકોટ – સુંદર રાજકોટ’ના સ્વપ્નને સાકાર કરી શકાય.
‘પ્રવેશદ્વાર ટીપ ટોપ છે’, સિટી ઇજનેરે જુઠ્ઠાણુ ચલાવતા નગરસેવક અધેરાએ લીધો ઉધડો
પ્રશ્નોતરી સેશનમાં બીજો સવાલ ભાજપના નગરસેવક રાજુભાઇ અઘેરાનો હતો. તેમણે એવી વિગત માગી હતી કે, શહેરના કેટલા પ્રવેશદ્વાર છે. આ પ્રવેશદ્વાર બનાવવા માટે શું આયોજન છે. તમામ પ્રવેશ માર્ગની સ્થિતિ શું છે? તેના જવાબમાં સિટી ઇજનેર રાવલે એવુ કહ્યુ હતુ કે, ગોંડલ રોડ ચોકડી, માલિયાસણ, ગ્રીનલેન્ડ ચોકડી, મેંગો માર્કેટ, ભાવનગર રોડ પર આર.કે.યુનિવર્સિટી એ તમામ તરફના પ્રવેશ માર્ગ સારા છે. જવાબમાં નગરસેવક રાજુભાઇ અઘેરાએ જાહેરમાં એવો પડકાર ફેંક્યો હતો કે, ચાલો અત્યારે જ મારી સાથે. હું દેખાડુ કે કેવી હાલત છે. ગ્રીનલેન્ડ ચોકડીનો જ દાખલો આપુ તો એક રસ્તો જુના માર્કેટિંગ યાર્ડ તરફ અને એક રસ્તો ગ્રીનલેન્ડ ચોકડી તરફ જાય છે એ જ્યા ફાંટો પડે છે ત્યા પુલ નીચેથી એકવાર પસાર તો થાવ. જવાબમાં મ્યુનિ.કમિશનરે એવુ કહ્યુ કે આ હાઇ-વે ઓથોરિટી હસ્તક છે. સામે નગરસેવકે કહ્યુ કે, આ તમારો બચાવ વ્યાજબી નથી. હાઇ-વે ઓથોરિટી સાથે સંકલન કરવાનું કામ પ્રજાનું છે કે તમારુ?!
ખાતમુહૂર્ત થયાના દોઢ-દોઢ વર્ષ સુધી કામ શરૂૂ થતા નથી : અશ્વિન ભોરણિયા બન્યા આક્રમક
વર્ક ઓર્ડર અપાયાને દોઢ-દોઢ વર્ષ સુધી કામ શરૂૂ થતા નથી. તેવા અનેક દાખલાઓ ભાજપના નગરસેવક અશ્વિન ભોરણિયાએ જાહેરમાં આપ્યા હતા. સિટી ઇજનેરે જયારે એવુ કહ્યુ કે, કામ પુરુ કરવાની મુદત તો હજુ વાર છે. આ જવાબ સાંભળીને અશ્વિન ભોરણિયાએ અધિકારીઓની ચામડી ઉતેરતા એવા આકરા મીજાજમાં વળતો જવાબ આપ્યો હતો કે, ત્યા સુધી શું જનતાને રાહ જોવાની? તમે કામ સમયસર કેમ શરૂૂ કરાવી શકતા નથી. રોડ કે પાઇપલાઇન માટે કામ શરૂૂ ન થાય ત્યા સુધી પેવીંગ બ્લોક કે રોડ સર્ફિગ જેવા અન્ય કામ પણ થઇ શકતા નથી.
