જામનગર રોડ પર પરાપીપળીયા ગામે રહેતા ખેડુતને મકાન વેંચી 10 લાખ લીધા બાદ આરોપીએ પોતાના અંગત વપરાશ માટે પૈસા ખર્ચી નાખી દસ્તાવેજ કરી આપ્યો નહોતો અને બેંકના અધિકારીઓએ ફલેટમાં સીલ મારી દેતા ખેડુતને છેતરપીંડી થયાનો અહેસાસ થયો હતો અને પોલીસ મથકમાં વિશ્ર્વાસઘાતની ફરીયાદ નોંધાવી હતી. આ મામલે ગાંધીગ્રામ પોલીસે આરોપીને સકંજામાં લેવા તજવીજ શરૂ કરી છે.
વધુ વિગતો મુજબ પરાપીપળીયા ગામે રહેતા અને ખેતી કામ કરતા પાચાભાઇ નારણભાઇ મૈયડ નામના પ4 વર્ષના આહીર પ્રોઢે પોતાની ફરીયાદમાં તેઓના ઓળખીતા હિતેશભાઇ અમરાભાઇ હુંબલ (રહે. દ્વારકેશ પાર્ક, શેરી નં 6 ડ્રીમ સિટી સામે, રૈયા રોડ) નુ નામ આપતા તેઓ સામે છેતરપીંડી કર્યાની પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. પાચાભાઇએ ફરીયાદમાં જણાવ્યુ હતુ કે તેઓ ખેતીકામ કરી પરિવારનુ ગુજરાન ચલાવે છે અને 6 વર્ષ પહેલા 2018 ની સાલમાં હિતેશભાઇ હુંબલ કે જેમનો ફલેટ પંચવટી એપાર્ટમેન્ટમાં આવેલો હતો. તેઓને આ ફલેટ વેચવાનો હોઇ તેમજ આ ફલેટ ખેડુત પાચાભાઇને લેવો હોય જેથી હિતેશભાઇએ આ ફલેટ બતાવ્યો હતો.
ત્યારબાદ પાચાભાઇને આ ફલેટ ગમી જતા ફલેટનો 11.પ0 લાખમાં લેવાનો નકકી કર્યુ હતુ.
ત્યારબાદ હિતેશભાઇએ કહયુ હતુ કે ફલેટ ઉપર રિલાયન્સ હાઉસીંગની લોન લીધી છે. જે ચાલુ છે. જેનો અસલ દસ્તાવેજ બેંકમાં પડયો છે. જેથી હિતેશભાઇએ કહયુ કે પોતે લોન ભરપાઇ કરી અને અસલ દસ્તાવેજ છોડાવી દસ્તાવેજ કરી આપશે. ત્યારબાદ હિતેશભાઇએ પાચાભાઇને રજીસ્ટ્રર સાટાખાત કરાર કરી આપ્યો હતો અને આ કરારમાં પાચાભાઇએ સૌરાષ્ટ્ર ગ્રામ્ય બેંકનો 10 લાખ રૂપિયાની કિંમતનો ચેક હિતેશભાઇને આપ્યો હતો. ત્યારબાદ 4 મહીનામાં લોન પુરી કરી દસ્તાવેજ કરી આપવાનો વાયદો થયો હતો. ત્યારબાદ હિતેશભાઇએ બેંકમાં નહી નાણા નહી ભરતા બેંકના અધિકારીઓએ ફલેટને સીલ મારી દીધુ હતુ.
ત્યારબાદ માલુમ પડયુ કે હિતેશભાઇએ દસ લાખ રૂપિયા પોતાના અંગત વપરાશ માટે વાપરી નાખ્યા હતા તેમજ હિતેશભાઇએ કહયુ કે મારી જમીન વેચવાની છે તેના રૂપિયા આવવાના છે તેમાથી હુ તમને તમારા રૂપીયા આપી દઇશ. આમ છતા તેઓએ 10 લાખ રૂપિયા પરત નહી આપતા અંતે પાચાભાઇ મૈયડે ગાંધીગ્રામ પોલીસ મથકમાં હિતેશભાઇ વિરૂધ્ધ વિશ્ર્વાસઘાતની ફરીયાદ નોંધાવી હતી.