સુરેન્દ્રનગરના રીવરફ્રન્ટ રોડ કાર મુકી મુળી તાલુકાના દુધઈ ગામના ખેડુત એક હોટલમાં જમવા ગયા હતા. ત્યારે જમીને પરત આવતા કારના કાચ તુટેલા હતા. અને બેંકમાંથી ઉપાડીને આવેલા પૈસા સહિત રૂૂપીયા 3.05 લાખની રોકડની ઉઠાંતરી થઈ હતી. પોલીસની વિવિધ ટીમો બનાવી તસ્કરની ભાળ મેળવવા કામે લાગી છે.
હાલ લગ્નગાળો ચાલી રહ્યો હોય પરીવાર સાથે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયેલા પરીવારોના બંધ ઘરને નીશાન બનાવી તસ્કરો ખાતર પાડે છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં ધોળા દિવસે ચોરીનો બનાવ બનતા પોલીસ બેડામાં દોડધામ મચી છે. મળતી માહીતી મુજબ મુળી તાલુકાના દુધઈ ગામે રહેતા દોલુભાઈ કરપડા ખેતી કરે છે. તેઓએ કરેલ પાક વેચાણના પૈસા બેંકમાં જમા થયા હતા. જયારે તેઓને દુકાન લેવાની હોવાથી બાનુ દેવાનું હોઈ પૈસા ખુટતા તેઓ સોમવારે સુરેન્દ્રનગર બેંકમાં પૈસા ઉપાડવા આવ્યા હતા. અને પૈસા ઉપાડી તથા તેઓની પાસે રહેલા પૈસા મળી કુલ રૂૂપીયા 3.05 લાખ લઈ કારમાં નીકળ્યા હતા.
બપોરનો સમય થઈ ગયો હોય તેઓ રીવરફ્રન્ટ રોડ પર કાર મુકી તેમાં પૈસા મુકી કાર લોક કરી રીવરફ્રન્ટ રોડ નજીક આવેલા હોટલ ક્રીષ્નામાં જમવા ગયા હતા. જમીને પરત જતા જોયુ તો કારના કાચ તુટેલા હતા અને સીટ પર રાખેલ રૂૂપીયા કોઈ લઈ ગયુ હતુ. આથી તેઓને ફાળ પડી હતી. અને બનાવની જાણ તુરંત સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસને કરાઈ હતી. ધોળા દિવસે રૂૂપીયા 3.05 લાખની કારના કાચ તોડી ઉઠાંતરીની ઘટનાની ગંભીરતા પામી પોલીસે કાર્યવાહી હાથ ધરી.