શાપરમાં કારખાનેદાર અને ગોંડલના શ્રીનાથગઢમાં ઈમિટેશનના ધંધાર્થીનું હૃદયરોગના હુમલાથી મોત

ચાર માસ પહેલા જ લગ્નગ્રંથિથી જોડાયેલા યુવાનના મોતથી પરિવારમાં કરૂણ કલ્પાંત રાજ્યભરમાં કાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાએ માજા મુકી હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી…

ચાર માસ પહેલા જ લગ્નગ્રંથિથી જોડાયેલા યુવાનના મોતથી પરિવારમાં કરૂણ કલ્પાંત

રાજ્યભરમાં કાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાએ માજા મુકી હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે હૃદયરોગના હુમલાથી વધુ બે લોકોના મોત નિપજ્યા છે. જેમાં શાપરમાં ચાર માસ પૂર્વે જ લગ્નગ્રંથીથી જોડાયેલા કારખાનેદાર યુવાન અને ગોંડલના શ્રીનાથગઢમાં ઈમીટેશનના ધંધાર્થીનું હૃદયરોગના હુમલાથી મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, શાપર-વેરાવળમાં રહેતા અને કારખાનુ ધરાવતાં જેનીશભાઈ રાજેશભાઈ પીપલવા નામના 30 વર્ષના યુવાનને છાતીમાં દુખાવો ઉપડતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે કારખાનેદાર યુવકનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક પુછપરછમાં મૃતક જેનીશ પીપલવા બે ભાઈમાં મોટો હતો અને ચાર મહિના પહેલા જ તેના લગ્ન થયા હતાં.

આ ઉપરાંત બીજા બનાવમાં ગોંડલના શ્રીનાથગઢમાં રહેતાં અને ઈમીટેશનની દુકાન ધરાવતાં મનસુખભાઈ કાનજીભાઈ કાનપરીયા નામના 51 વર્ષના વેપારીની હૃદયરોગનો હુમલો આવતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક પુછપરછમાં મૃતક આધેડને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *