શહેરમાં કોઠારીયા રોડ પર આવેલા દેવપરામાં કારખાનેદાર અને તેના ભત્રીજા સહિતના શખ્સોએ પૈસાની લેતી-દેતીમાં મિત્રને માર માર્યો હતો. હુમલાખોર શખ્સોએ દારૂના નશામાં આવી હુમલો કર્યો હોવાના આક્ષેપ સાથે યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા મેઇન રોડ પર આવેલા દેવપરામાં રહેતા જયેશ છગનભાઇ વાઘેલા નામનો 42 વર્ષનો યુવાન બપોરના 2.30 વાગ્યાના અરસામાં દેવપરામાં હતો. ત્યારે કારખાનેદાર પ્રશાંત પટેલ અને તેના ભત્રીજા સહિતના શખ્સોએ ઝઘડો કરી ધોકા-પાઇપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં જયેશ વાઘેલા અને હુમલાખોર શખ્સો મિત્રો છે. અગાઉ રૂપિયાની લેતી-દેતી મુદ્દે ઝઘડો થયો હતો. જેનો ખાર રાખી દારૂના નશામાં ધસી આવેલા શખ્સોએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે ભક્તિનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
