શહેરના સોની બજાર વિસ્તારમાં રહેતા અને એકલવાયું જીવન જીવતા પ્રૌઢની તેના ઘરમાંથી કોહવાયેલી હાલતમાં લાશ મળી હતી. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળી દોડી ગયો હતો અને મૃતદેહને ફોરેનસીક પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ સોની બજારમાં ગુજરી બજાર નજીક રહેતા અને ચંપલની દુકાનમાં નોકરી કરતા સબીરભાઇ અશગરઅલી માકડા (ઉ.વ.55) નામના પ્રૌઢ બે દિવસ નોકરી ઉપર આવતા ન હોય જેથી શેઠ દ્વારા તેના પરિવારજનોને ફોન કરવામાં આવતા પરિવારજનો તપાસ કરવા માટે સબીરભાઇના ઘરે દોડી ગયા હતા. દરમિયાન ઘરમાથી દૂર્ગધ આવતી હોય તપાસ કરતા સબીરભાઇનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે પોલીસને જાણ કરતા એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને ફોરેનસીક પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક ત્રણભાઇ બે બહેનમાં નાના અને અપરિણીત હતા તેઓ એકલવાયુ જીવન જીવતા હતા. હાર્ટએટેક આવી જતા બેભાન થઇ જવાથી મોત નીપજ્યાનું પ્રાથમિક અનુમાન સેવાઇ રહ્યું છે. જો કે, ફોરેન્સીક પીએમ બાદ જ મૃત્યુનુ ચોક્કસ કારણ બહાર આવશે.
જયારે બીજા બનાવમાં જસદણમાં વાણીયાવાડી પાસે ભાદર નદીના કાઠેથી અજાણયો યુવાન (ઉ.વ. આશરે 37)નો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે.
