જેતપુર શહેરમાં કાલે ભયભીત કરી દે તેવી ઘટના સામે આવી હતી. શહેરના વ્યસ્ત વિસ્તારમાં અચાનક એક ગાયને હડકવા ઉપડતાં તે બેકાબૂ બની ગઈ હતી. પાગલ જેવી બનેલી ગાયે રસ્તા પર દોડધામ મચાવતા સ્થાનિક લોકો અને રાહદારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. ગાયે ત્રણ લોકોને ઢીંકે ચડાવી ઈજાગ્રસ્ત કર્યા હતા, ત્રણેયને સારવાર માટે ખસેડવા પડ્યા હતા. શહેરના કણકિયા પ્લોટ વિસ્તારમાં આજે સવારે એક ગાયને હડકવા ઉપડ્યો હતો.જેના લીધે ગાય બેકાબુ બની ગઇ હતી, રસ્તા પરથી પસાર થતા બે થી ત્રણ વ્યક્તિને અડફેટે લીધા હતા, જેના લીધે તેમને ઇજાઓ પહોંચી હતી.
ગાયને હડકવા ઉપડ્યાની જાણ જીવદયા પ્રેમી વિમલ રામાણી, ભરત નિરંજનીને થતા તરત જ ગાયને રોકવા સ્થળ પર પહોંચી ગયા હતા અને પાલિકાની ઢોર પકડ ટીમ ત્યાં આવી જતા ગાયનું રેસ્ક્યુ કરવાના પ્રયત્ન શરૂૂ કરવામાં આવ્યા હતા.
દુકાનોના શટર બંધ થઇ ગયા જીવદયાપ્રેમીઓ, પાલિકાની ટીમને દોડાવતી ગાય પકડમાં આવતી ન હતી, છટકીને મુખ્ય બજાર તરફ દોડી જતી હતી જેના લીધે ભરચક્ક વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી. જેને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોએ પોતાના ઘરના દરવાજા કે ડેલા અને દુકાનોના શટર બંધ કરી દીધા હતા.
મહામહેનતે ગાયને બાંધી શકાઇ અહીં તહીં દોડતી ગૌમાતા આખરે એક ફેંસીંગ વોલવાળા ડેલામાં પહોંચી હતી અને વિમલ રામાણીએ સૂઝબૂઝ દાખવી મોકો જોઇને ગાયના ગળામાં દોરડું ફસાવી ગાય પર કાબુ મેળવી લીધો હતો અને અન્ય સાથીદારોની મદદથી સફળતા પૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. ગાય પકડાતા જ સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો.
