નવા 150 ફુટ રોડ પર નીકળો એટલે કરોડરજ્જુના મણકા હલી જવાની ગેરેંટી
રાજકોટની કટારીયા ચોકડીથી ગોંડલ રોડને જોડતા 150 ફૂટના રિંગ રોડ પર ઠેર-ઠેર મોટા ગાબડાં અને ખાડા પડ્યા હોવાને કારણે વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. જેમાં પરસાણા ચોક નજીક તો 20 ફૂટથી પણ મોટા ક્ધટેનર જેવડા ગાબડાં પડતા હજારો વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ખાડામાથી પસાર થતી વખતે કરોડરજુના મણકા હલી જાય તેવી સ્થિતી છે આમ આદમી પાર્ટીનાં શહેર પ્રમુખ દિનેશ જોષીએ આ મામલે ભાજપ શાસિત મહાપાલિકા પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવતા જણાવ્યું કે, જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા છે.
આગામી મનપાની ચૂંટણીમાં પ્રજા ભાજપને ખાડામાં નાખી દેશે.આ રસ્તો સૌરાષ્ટ્રના સૌથી વ્યસ્ત માર્ગો પૈકીનો એક છે, જેના પરથી દરરોજ હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે. પરંતુ, પરસાણા ચોકમાં ખાડાઓને કારણે નાના-મોટા અકસ્માતોનો ભય સતત રહે છે.
આ ખાડાઓને કારણે વાહનચાલકોના વાહનોને નુકસાન થાય છે અને લોકોના મણકા ભાંગી જવાની સ્થિતિ સર્જાઈ છે.
ખાસ કરીને પરસાણા ચોક પાસેની સ્થિતિ અત્યંત ગંભીર છે. તેમણે વ્યંગમાં કહ્યું કે, ભાજપ સરકારે રાજકોટના રસ્તાઓમાં નદીના દર્શન કરાવ્યા છે.
મનપામાં કટકી સિવાય કંઇ થતું નથી: ‘આપ’
દિનેશ જોષીએ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, ચેરમેન દાવો કરે છે કે તેઓ વર્ષમાં બે-બે વાર રસ્તા બનાવે છે. શું રસ્તાઓ માત્ર કાગળ પર જ બને છે? વાસ્તવિકતામાં કંઈ થતું નથી. તેમણે મનપા પર કટકી સિવાય કંઈ ન કરતા હોવાનો સીધો આરોપ લગાવતા જણાવ્યું હતું કે, જામનગર અને ગોંડલને જોડતો આ મુખ્ય માર્ગ છે અને તેની આવી હાલત હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. જ્યાં જરૂૂર નથી ત્યાં પોતાના પ્લોટ કે જમીન પાસે રસ્તાઓ બનાવવામાં આવે છે, જ્યારે ખરેખર જ્યાં લોકોની જરૂૂરિયાત છે ત્યાં ધ્યાન અપાતું નથી.
