સંગઠનની નિમણૂકનો ડખ્ખો ચરમસીમાએ, ખાતમુહૂર્ત કાર્યક્રમમાં જ મામલો ગાળાગાળી અને મારામારી સુધી પહોંચી ગયાની ચર્ચા
શહેર ભાજપનું વોર્ડવાઇજ સંગઠન જાહેર થતા ધીરેધીરે અંદરનો ઉકળાટ બહાર આવી રહ્યો છે. સામાકાંઠા વિસ્તારમાં વોર્ડ નં.5માં વોર્ડના હોદેદારોની નિમણુંકનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો હોય તેમ વોર્ડ પ્રભારી અને કોર્પોરેટર વચ્ચે ઉગ્ર માથાકુટ બાદ મામલો ગાળાગાળી અને ઝપાઝપી સુધી પહોંચી ગયાનું જાણવા મળે છે.
મળતી માહિતી મુજબ સામાકાંઠા વિસ્તારમાં પેડકરોડ ઉપર ખાતમુહુર્તના કાર્યક્રમ વખતે જ મેયર તેમજ શહેર ભાજપના મહામંત્રી તથા 200 જેટલા આ વિસ્તારના કાર્યકરોની હાજરીમાં આ તમાસો સર્જાતા ભારે ચકચાર જાગી છે.
સંગઠનની નવી ટીમના ખાતમુહુર્તના પ્રથમ કાર્યક્રમમાં જ કોર્પોરેટર અને વોર્ડ પ્રભારી વચ્ચે ઉગ્ર જીભાજોડી બાદ ગાળાગાળી અને મારામારી થતા ત્યાં હાજર આગેવાનો અને કાર્યકરો સ્તબ્ધ થઇ ગયા હતા અને વચ્ચે પડી મામલો થાળે પાડયો હતો.
સ્થાનીક કાર્યકરોમાં ચર્ચાતી વિગતો મુજબ તાજેતરમાં થયેલી સંગઠનની નિમણુંકોને લઇને વિવાદ સર્જાયો હતો. જેમાં કોર્પોરેટર દિલીપ લુણાગરીયાએ વોર્ડ પ્રભારી દુષ્યંત સંપટને નવી નિમણુંકો અંગે સવાલો કરતા બબાલ થઇ હતી.
લુણાગરીયાએ જણાવ્યું હતું કે સંગઠનમાં નિમણુંકો માટે અમારી પાસેથી નામો મંગાવો છે અને નિમણુંકો બીજાની કરી દયો છો? તો અમારે કાર્યકરોને જવાબ કેવી રીતે આપવા? આવા અણીયારા સવાલો બાદ દુષ્યંત સંપટ અને લુણાગરીયા વચ્ચે પ્રથમ ઉગ્ર જીભાજોડી બાદ ગાળાગાળી થઇ હતી અને ત્યારબાદ મામલો મારામારી સુધી પહોંચી ગયાની ચર્ચા છે.
જો કે આ અંગે ભાજપના ત્યાં હાજર હોદેદારોએ મૌન સેવી લીધુ છે અને સામાન્ય રકઝક થયાનું જણાવી વાત ટાળવા પ્રયાસો કરી રહ્યા છે.
