જામનગરમાં ભક્તિનગર વિસ્તારમાં રહેતી અને એલએલબી નો અભ્યાસ કરતી કોલેજીયન પરણીત યુવતી કે જેણે જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં પોતાને ધાક ધમકી આપી હડધૂત કરવા અંગે અને પોતાની સાથે ધરાર મૈત્રી સંબંધ રાખવા અંગે શંકર ટેકરી વિસ્તારમાં રહેતા સાગર કરસનભાઈ સોલંકી નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યૂવતી કે જેને આજથી આઠ વર્ષ પહેલા આરોપી સાથે મિત્રતા હતી, જેનો ગેરલાભ લઈ આરોપી સગીરાને ઉઠાવી ગયો હતો, અને આ મામલામાં પોલીસમાં પોકસો સહિતની કલમ હેઠળનો ગુન્હો નોંધવામાં આવ્યો હતો, જેમાં આરોપીની ધરપકડ થઈ હતી. ત્યારબાદ બંને પક્ષે સમાધાન થયું હતું, અને આરોપીનો છુટકારો થયો હતો.
ત્યારપછી ફરિયાદી યુવતી કે જેણે પોતાનું જીવન અન્ય યુવક સાથે શરૂૂ કરી દીધું હતું, અને તેણીના લગ્ન થઈ ગયા છે, અને હાલ પતિ સાથે રહી ને લો કોલેજનો અભ્યાસ કરે છે. દરમિયાન તાજેતરમાં પોતાના કોલેજના ફંકશનમાં હાજરી આપવા ગઈ હતી, ત્યારે રસ્તામાં આરોપીનો ભેટો થયો હતો, અને તારા ભલે લગ્ન થઈ ગયા, બીજાની સાથે સંબંધ રાખવાનું બંધ કરી દે અને મારી સાથે ફરીથી સંબંધ રાખજે, તેમ કહી છરી બતાવી ધાક ધમકી આપી હતી.
ઉપરાંત ફરિયાદીના પતિને આની જાણકારી થઈ જતાં તેણે પણ આરોપીને આવું ફરીથી નહીં કરવા જણાવતાં તેને પણ ફોનમાં પતાવી દેવાની ધમકી આપી હોવાથી મામલો પોલીસ મથકમાં લઈ જવાયો છે. પોલીસે આરોપી સામે એસ્ટ્રોસિટી સહિતની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.
